‘મદ્રાસ કાફે’, ‘વિકી ડોનર’ અને ‘પિન્ક’ જેવી સુપરહિટ અને જરા હટકે સબજેક્ટ ધરાવતી ફિલ્મો બનાવનારા દિગ્દર્શક સુજિત સરકારની ફિલ્મ ‘ઓક્ટોબર’ તાજેતરમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં વરુણ ધવન હીરો છે અને અત્યાર સુધીના પાત્રોથી અલગ જ અંદાજમાં વરુણ ફિલ્મમાં જોવા મળે છે.
વાર્તા રે વાર્તા
‘ઓક્ટોબર’ ફિલ્મની વાર્તા દિલ્હીની એક હોટેલથી શરૂ થાય છે. આ હોટેલમાં દાનિશ-ઉર્ફે-ડોન (વરુણ ધવન) પોતાના મિત્રો સાથે ઇન્ટર્નશિપ કરતો હોય છે. દાનિશ બેફિકર બિંદાસ્ત જિંદગી જીવતો યુવાન હોય છે. હોટેલમાં શિવલી (બનિતા સંધૂ) પણ ઇન્ટર્નશિપ કરવા માટે આવે છે. શિવલીનો સ્વભાવ ડેનથી તદ્દન વિપરીત હોય છે. વાર્તામાં વળાંક ત્યારે આવે છે જ્યારે હોટેલના ચોથા માળેથી શિવલી પડી જાય છે. એ પછી હોસ્પિટલમાં દાખલ શિવલી સાથે દાનિશ વધુને વધુ સમય વીતાવે છે. બીજી તરફ શિવલી સાથે દાનિશ સતત હોસ્પિટલમાં રહેવાથી તેને હોટેલમાંથી કાઢી મૂકવામાં આવે છે. એ પછી દાનિશ મનાલી જાય છે અને ત્યાં એક હોટલમાં મેનેજર તરીકે કામ કરવા લાગે છે. દાનિશની જિંદગીમાં એવા વળાંક આવે છે કે તે ફરી દિલ્હી આવે છે. એ પછી તેની જિંદગી દાનિશને શું બતાવે છે એ માટે ફિલ્મ જોવી રહી.
સ્ક્રીનપ્લે સરસ
ફિલ્મનું સૌથી જમા પાસું તેની વાર્તા - પટકથા અને તેની માવજત છે. ફિલ્મનો સ્ક્રીનપ્લે દાદ માગી લે તેવો છે. વરુણ ધવન સહિત ફિલ્મના કલાકારોની એક્ટિંગ સરસ છે. નિર્દેશન, સિનેમેટ્રોગ્રાફી, લોકેશન અને ફિલ્મની પ્રોડક્શન વેલ્યુ જબરદસ્ત છે જે દર્શકોને ફિલ્મ જોવા માટે જકડી રાખે છે.