મુંબઈ: કેબીસી શોના આગામી કડીના રજિસ્ટ્રેશનનો એક વીડિયો હાલમાં ફરી રહ્યો છે. જેમાં અમિતાભ બચ્ચન રજિસ્ટ્રેશનની જાણકારી આપતા જોવા મળે છે. લોકડાઉનદરમિયાન આ વીડિયોનું શૂટિંગ થયેલું જાણીને તેઓ સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા હતા. પરિણામે અમિતાભે સ્પષ્ટતા કરી હતી કે શૂટિંગ ટાણે કોવિડ ૧૯ના દરેક નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું.
અમિતાભના તાજેતરના બ્લોગ પોસ્ટ જોઇને લાગે છે તેમણે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન ન કરવા માટે થયેલી આલોચનાથી નારાજ છે.
અમિતાભે કોવિડ-૧૯ના કારણે લાગુ થયેલા લોકડાઉન દરમિયાન લોકપ્રિય ક્વિઝ શો કોન બનેગા કરોડપતિનું શૂટિંગ શરૂ કરી દીધું છે, પરંતુ આ માટે તેમને ટ્રોલ કરવામાં આવ્યા હતા. ત્યારે અમિતાભે પોતાના બ્લોગમાં જણાવ્યું હતું કે, હા, મેં કામ કર્યું છે. તેનાથી કોઇને તકલીફ હોય તો તે પોતાના સુધી રાખે. લોકડાઉનની પરિસ્થિતિમાં કોઇ ટિપ્પણી કરવાની જરૂર નથી. હાલના સંજોગોને જોતાં શક્ય હોય તેટલા નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું. બે દિવસનું કામ એક જ દિવસમાં આટોપી લેવામાં આવ્યું હતું. સાંજના છ વાગ્યે કામ શરૂ કરીને થોડી જ વારમાં પૂરું કરી નાખવામાં આવ્યું હતું.
લોકડાઉનના દરમિયાન કેબીસીની શૂટિંગ માટે ઘણા લોકોએ અમિતાભ પર સવાલ ઉઠાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ટેલિવિઝનના મશહૂર રિયાલિટી શો કૌન બનેગા કરોડપતિની ૧૨મી સિઝનની તૈયારી શરૂ થઇ ગઇ છે. કોરોના પ્રકોપના કારણે પસંદગીની પ્રક્રિયા ઓનલાઇન થઇ રહી છે. લોકડાઉન દરમિયાન શોના હોસ્ટ અમિતાભે પોતાના ઘરમાં સ્પર્ધકોના પસંદગી માટેનું શૂટિંગ કર્યું છે.