કોરોના વાયરસને ફેલાતો વધુ ને વધુ રોકવા માટે જાહેરમાં વધુ ભીડ ભેગી ન થાય તે માટે તંત્ર અને પ્રજા દ્વારા પગલાં લેવાઈ રહ્યાં છે. દિલ્હીમાં ૩૧મી માર્ચ સુધી સ્કૂલ, કોલેજ તથા થિયેટર્સ બંધ કરાયાં છે તો અનેક ધાર્મિક મંદિરોમાં પ્રવેશ પ્રતિબંધ સાથે કાર્યક્રમો પણ મોકૂફ રખાયાં છે. આ સ્થિતિ વચ્ચે કોરોના અંગે જાગૃતિ માટે અમિતાભ બચ્ચને ચાહકોને સલામત રહેવા અને ધ્યાન રાખવાની અપીલ સોશિયલ મીડિયા પર કરી છે. બિગ બીએ ટ્વિટર પર વીડિયો શેર કરીને અવધી ભાષામાં કવિતા ગાઈને કોરોના વાયરસ અંગે સાવધ રહેવા જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચનની આ કવિતા તેમના બાબુજી હરિવંશરાય બચ્ચનની ‘ઈર બીર ફત્તે’વાળી સ્ટાઇલમાં છે. કોરોનાના ભય વચ્ચે અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ સોશિયલ મીડિયા પર લોકોને સાવચેત રહેવા આગ્રહ કર્યો છે. તેણે પોતાના અલગ અલગ લુકના નમસ્તે કરતા ફોટોનો વીડિયો શેર કર્યો છે. પ્રિયંકાએ લખ્યું છે કે, ઇટ્સ ઓલ અબાઉટ નમસ્તે. લોકોનું અભિવાદન કરવાની જૂની પણ બદલતા સમયની નવી રીત. બધા મહેરબાની કરીને સુરક્ષિત રહો.
સિનેમાજગતની સાવચેતી
કોરોના વાયરસ અંગે વૈશ્વિક સિનેમાજગત સાથે સાથે બોલિવૂડે પણ સાવધાની દાખવવી શરૂ કરી દીધી છે. હોલિવૂડની ‘ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ - ધ ફાસ્ટ સાગા’ ૨૨મીમે બદલે આવતા વર્ષે રિલીઝ થવાની જાહેરાત થઈ છે. કોરોના વાઇરસના કારણે ‘એફએન્ડએફ-૯’ની રિલીઝ ડેટ બદલાઈ છે તો બોલિવૂડમાં કોરોનાના ભયના કારણે રોહિત શેટ્ટીની ‘સૂર્યવંશી’ની રિલીઝ ડેટમાં ફેરફાર કરાયો છે. સલમાન ખાન, હૃતિક રોશન, સોનાલી બેન્દ્રે તથા બિપાશા બાસુએ પોતપોતાના કોન્સર્ટ માટેની અમેરિકાની ટુર કેન્સલ કરી છે.
થિયેટરો બંધ થતા આર્થિક ફટકો
કોરોના ભારતમાં પણ ફેલાઈ રહ્યો છે. પરિણામે બોલિવૂડને પણ આર્થિક મોટો ફટકો પડવાની શક્યતા છે. વાઈરસના કારણે થિયેટરો બંધ પડવાથી ફિલ્મો રિલીઝ થઈ શકી નથી. કેરાલા, જમ્મુ અને કાશ્મીર, દિલ્હી અને ઓડિસા, કર્ણાટકાએ થિયેટરો અઠવાડિયા સુધી બંધ રાખવાનો નિર્ણય સોમવારે કર્યો છે.
માર્ચમાં બોલિવૂડની ફિલ્મોની રિલીઝ અટકી પડી છે. આ વર્ષના જાન્યુઆરીથી માર્ચ દરમિયાન બોલિવૂડ ફક્ત રૂ. ૪૦૦ કરોડનો વ્યવસાય જ કરી શક્યો છે. જ્યારે ૨૦૧૯માં ‘ઉરી’, ‘મણિકર્ણિકા’, ‘ગલી બોય’, ‘ટોટલ ધમાલ’, ‘કેસરી’ જેવી ફિલ્મોએ અઢળક વેપલો કર્યો હતો.
ફિલ્મ એન્ડ ટ્રેડ બિઝનેસ એનાલિસ્ટના જણાવ્યા પ્રમાણે, ગયા વર્ષે પહેલા ત્રણ મહિનામાં બોલિવૂડે રૂ. ૧૧૫૫ કરોડ જેટલો વ્યવસાય કર્યો હતો. જ્યારે આ વર્ષે હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રી ફક્ત રૂ. ૬૩૦ કરોડનો જ વ્યવસાય કરી શકી છે. જેમાં મોટા ભાગનો વકરો અજય દેવગણની ફિલ્મ ‘તાનાજી’નો છે. હવે થિયેટરો બંધ થતાં ‘બાગી ૩’ ફિલ્મનો વ્યવસાય અટકી ગયો છે. જ્યારે રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સૂર્યવંશી’ની રિલીઝ રોકાઈ ગઈ છે. આ ફિલ્મ રૂ. ૨૦૦ કરોડનો બોક્સ ઓફિસ પર વ્યવસાય કરે તેવી અટકળો હતી. પરિણામે પહેલાં ત્રણ મહિનામાં બોલિવૂડને આર્થિક ફટકો પડ્યો છે.
ઈરફાન ખાનની ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’ ૧૩ માર્ચે રિલીઝ થઈ, પરંતુ તે ૩૦થી ૪૦ ટકા જ બિઝનેસ કરી શકશે તેમ જણાઈ રહ્યું છે. આ ફિલ્મ ભારતના ત્રણ રાજ્યોમાં રિલીઝ થઈ શકી નથી.ફક્ત ભારતીય ફિલ્મોને જ નહીં પરંતુ હોલિવૂડની ફિલ્મોને પણ કોરોનાના કારણે આર્થિક ફટકો પડ્યો છે. ‘એફ- ફાસ્ટ એન્ડ ફ્યુરિસ’ની ફ્રેન્ચાઈઝીને ૨૨ મેના રોજ રિલીઝ કરવાની યોજના હતી તે હવે ૨૦૨૧ની બીજી એપ્રિલ સુધી રિલીઝ ન કરવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત હોલિવૂડની બીગ બજેટ ફિલ્મ ‘એ ક્વાઈટ પેલેસ - ૨’ની રિલીઝ પણ અટકાવાઈ છે.