સદીના મહાનાયક અમિતાભ બચ્ચન આજે પણ નવી સદી સાથે કદમ મિલાવી પૂરજોશમાં કામ કરે છે. ૭મી નવેમ્બરે બિગ બીએ બોલિવૂડમાં ૫૦ વર્ષ પૂરા કર્યાં છે. અમિતાભ બચ્ચને કે. અબ્બાસની ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’થી ૭મી નવેમ્બર ૧૯૬૯માં ઈન્ડિયન સિનેમામાં કામની શરૂઆત કરી હતી. ‘સાત હિન્દુસ્તાની’ માટે અમિતાભ બચ્ચનને નવોદિત કલાકારનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો. બોલિવૂડમાં ૫૦ વર્ષ પૂર્ણ કરવા બદલ બિગ બીને ચારેબાજુથી વધાવવામાં આવી રહ્યા છે. મહાનાયકના પુત્ર અભિષેક બચ્ચને સોશિયલ મીડિયા પર બિગ બીની એક જૂની બ્લેક એન્ડ વાઇટ તસવીર મૂકીને પોસ્ટ કરીને પિતાને વિશ કર્યું હતું. આ તસવીરમાં બિગ બી ખુરશી પર હાથ ટેકવીને ઊભા છે અને બીજી બાજુ જોઇ રહ્યા છે.
અભિષેકે આ તસવીર સાથે પોસ્ટ કર્યું છે કે ફક્ત એક પુત્ર તરીકે જ નહીં, પરંતુ તેમના ચાહક તરીકે પણ હું તેમની આ સિદ્ધિનો સાક્ષી છું. સિનેમાલવર્સની ઘણી પેઢીઓ કહી શકે છે કે તેમણે બચ્ચનના જમાનાને જોયો છે અને માણ્યો છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ૫૦ વરસ પૂરા કરવા બદલ માટે હું મારા પિતાને વધામણી આપું છું.
હજુ પણ આવતા ૫૦ વરસ તેઓની એક્ટિંગ જોવા મળતી રહે, લવ યુ. ફિલ્મમેકર કરણ જોહર સહિત કેટલાય કલાકાર કસબીઓએ મહાનાયકને બોલિવૂડમાં ૫૦ વર્ષની કારકિર્દી બદલ અભિનંદન પાઠવ્યા હતા.