પનામા પેપર્સમાં મહાનાયક અમિતાબ બચ્ચનના નામની સંડોવણીના કારણે મોદી સરકારની બીજી વરસગાંઠના કાર્યક્રમનું સંચાલન બિગ બીને સોંપવા સામે હોબાળો થયો છે, પણ બચ્ચન કહે છે કે, હું તો માત્ર ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ વિશે જ રજૂઆત કરવાનો છું.
૨૮ મેએ મોદી સરકારની બીજી વરસગાંઠ નિમિત્તે દિલ્હીમાં ઇન્ડિયા ગેટ પર યોજાનારા કાર્યક્રમમાં અમિતાભ બચ્ચનને સામેલ કરવાને મુદ્દે કોંગ્રેસે મોદી સરકારને ભીંસમાં લેવાનો પ્રયત્ન કર્યો છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પત્રકાર-પરિષદ યોજીને જણાવ્યું હતું કે, ‘જે વ્યક્તિની તપાસ પનામા પેપર્સમાં નામ જાહેર થવા બાબતે થઈ રહી છે તેને આ કાર્યક્રમ સાથે સાંકળવાનું કેટલું વાજબી ગણાશે? કાળા નાણાં બાબતે જેમના પર આક્ષેપ મૂકવામાં આવ્યો છે એવી વ્યક્તિ સાથે વડા પ્રધાન એક મંચ પર બેસશે તો કાળા નાણાંની તપાસ કરનારી એજન્સીઓને શો સંદેશ મળશે?’
વડા પ્રધાન હાજર હોય એવા કાર્યક્રમનું સંચાલન અમિતાભ બચ્ચન કરે એના સંદર્ભમાં કેટલાક પ્રશ્નો ઊભા કરતાં રણદીપ સુરજેવાલાએ જણાવ્યું હતું કે, ‘એ પરિસ્થિતિમાં સરકારની કાળા નાણાં સામેની લડત નબળી નહીં પડી જાય? વડા પ્રધાન વારંવાર વિદેશોમાં પડેલાં ભારતનાં કાળા નાણાં પાછાં લાવીને દોષી વ્યક્તિઓને સજા કરાવવાની વાતો કરતા હતા. ભાજપના ચૂંટણી પ્રચારમાં નેતાઓ વિદેશોમાંથી કાળા નાણાં પાછા લાવ્યા પછી દરેક ભારતીય નાગરિકના બેન્ક-અકાઉન્ટમાં રૂ. ૧૫ લાખ રૂપિયા જમા કરાવવાનાં વચનો આપતા હતા’
રણદીપના પ્રહારોથી અકળાયેલા મહાનાયકે સણસણતો જવાબ આપતાં કહ્યું હતું કે, ‘કોંગ્રેસના આવા વર્તનથી મને આશ્ચર્ય થાય છે. હું એ કાર્યક્રમનો હોસ્ટ નથી. હું સરકારના ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ અભિયાનનો બ્રાન્ડ એમ્બેસેડર હોવાથી વરસગાંઠના કાર્યક્રમમાં એ યોજના વિશે રજૂઆત કરવાનો છું. હવે મારે શું કરવાનું છે એ સરકાર નક્કી કરે, કારણ કે સરકારે મને એ કાર્યક્રમમાં આમંત્રણ આપ્યું છે.’ અમિતાભ બચ્ચને કહ્યું હતું કે ૨૮ મેનો આ કાર્યક્રમ આર. માધવન હોસ્ટ કરવાનો છે.