બિશ્નોઇ સમાજનો સલમાન - સલીમ ખાન સામે આક્રોશ

Friday 01st November 2024 10:54 EDT
 
 

એક તરફ, બિશ્નોઇ ગેન્ગ સલમાન ખાનનો પીછો નથી છોડી રહી, અને તેને હત્યાની ધમકી આપી રહી છે. તો હવે સમગ્ર બિશ્નોઇ સમાજે પણ સલમાન ખાન અને તેના પિતા સલીમ ખાન સામે મોરચો માંડ્યો છે. સલીમ ખાનના શબ્દોથી નારાજ બિશ્નોઇ સમાજે ગયા શુક્રવારે સલમાન અને સલીમ ખાનના પૂતળા બાળ્યા હતા. સાથેસાથે જ તેમણે માગ કરી હતી કે સલમાન ખાને કાળિયારના શિકાર માટે માફી માંગવી જ જોઇએ.
તાજેતરમાં સલીમ ખાને એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, કાળા હરણના શિકારના મામલે મારો પુત્ર સલમાન નિર્દોષ છે. તે કદી કોઇની હત્યા કરી શકે જ નહીં. આથી બિશ્નોઇ સમાજમાં નારાજગી છે. તેમણે રાજસ્થાનના જોધપુરમાં વિરોધ પ્રદર્શન કર્યુ હતું, જેમાં સેંકડો લોકોએ હિસ્સો લીધો હતો. બિશ્નોઇ સમાજનું કહેવું છે કે જો સલીમ ખાન કહેતા હોય કે તેના પુત્રે કાળિયારનો શિકાર કર્યો નથી અને તે નિર્દોષ છે તો અમે પણ તેમને કહેવા માંગીએ છીએ કે,અમે બિશ્નોઇ છીએ, અમે કોઇને અમસ્તા જ બદનામ કરતા નથી. સલીમ ખાન આ રીતે જૂઠ્ઠું બોલીને ખોટા બયાન આપી શકે નહીં.
નોંધનીય છે કે સલમાને 1999માં રિલીઝ થયેલી ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’નું શૂટિંગ રાજસ્થાનમાં કર્યું હતું ત્યારે તેણે અને તેની સાથેના થોડા સિતારાઓએ કાળિયારનો શિકાર કર્યાનો આરોપ મૂકાયો હતો. જોકે આ મામલે સુપ્રીમ કોર્ટે સલમાનને છોડી મૂક્યો છે, પરંતુ બિશ્નોઇ સમાજ હજી પણ અભિનેતાથી નારાજ છે અને તેઓ ઇચ્છે છે કે તે માફી માંગે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter