અમેરિકામાં આવેલા કેલિફોર્નિયાના ડોલ્બી થિએટરમાં તાજેતરમાં ૯૦મો ઓસ્કાર પુરસ્કાર સમારોહ યોજાઈ ગયો. ગુલર્મો ડેલ ટોરોની ફિલ્મ ‘ધ શેપ ઓફ વોટર’ને આ ઓસ્કારમાં સૌથી વધુ ૧૩ નોમિનેશન મળ્યાં હતાં અને ‘ધ શેપ ઓફ વોટર’ને જ બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. આ ફિલ્મને જ બેસ્ટ પ્રોડક્શન ડિઝાઈનનો અવોર્ડ પણ અપાયો છે. ફિલ્મ ‘ડાર્કેસ્ટ હવર’ના હીરો ગેરી ઓલ્ડમેનને બેસ્ટ એક્ટરનો અવોર્ડ મળ્યો છે જ્યારે ‘થ્રી બિલબોર્ડ્સ આઉટસાઈડ એબિંગઃ મિસૂરી’ માટે ફ્રાન્સિસ મેકડોર્મેન્ડને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ અપાયો છે. બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો અવોર્ડ સેમ રોકવેલને મળ્યો છે. આ અવોર્ડ તેમને ‘થ્રી બિલબોર્ડ્સ આઉટસાઈડ એબિંગઃ મિસૂરી’ માટે જ અપાયો છે. બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો અવોર્ડ એલિસન જેનીને મળ્યો છે. બેસ્ટ ફોરેન લેન્ગ્વેજ ફિલ્મનો અવોર્ડ સ્પેનિશ ફિલ્મ ‘અ ફેન્ટાસ્ટિક વુમન’ને અપાયો છે. બેસ્ટ સાઉન્ડ એડિટીંગ અને બેસ્ટ સાઉન્ડ મિક્સિંગનો અવોર્ડ ‘ડનકર્ક’ને અપાયો છે. બેસ્ટ ફિલ્મ એડિટીંગનો અવોર્ડ પણ ‘ડનકર્ક’ને જ મળ્યો છે. બેસ્ટ શોર્ટફિલ્મ એનિમેટેડનો અવોર્ડ ‘ડિયર બાસ્કેટબોલ’ને ફાળે ગયો છે જ્યારે બેસ્ટ એનિમેટેડ ફિલ્મનો અવોર્ડ ‘કોકો’ને મળ્યો છે. બેસ્ટ વિઝ્યુઅલ ઈફેક્ટ્સનો અવોર્ડ ‘બ્લેડ રનર’ને આપવામાં આવ્યો છે. બેસ્ટ શોર્ટ ફિલ્મ લાઈવ એક્શનનો અવોર્ડ ‘ધ સાયલેન્ટ ચાઈલ્ડ’ને મળ્યો છે.
ઉલ્લેખનીય છે કે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બે મહાન કલાકાર સ્વ. શશિ કપૂર (જન્મઃ ૧૮ માર્ચ, ૧૯૩૮થી ૪ ડિસેમ્બર, ૨૦૧૭) અને સ્વ. શ્રીદેવી (૧૩ ઓગસ્ટ, ૧૯૬૩થી ૨૪મી ફેબ્રુઆરી, ૨૦૧૮)ને ઓસ્કાર એવોર્ડ્ઝમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.