આ ફિલ્મમાં એક કાલ્પનિક દેશ ‘બૈંગિસ્તાન’નો વિચાર રજૂ થયો છે. આ દેશમાં તે બધું જ થઈ રહ્યુ છે, જે હિન્દુસ્તાન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં બની રહ્યું છે. કહેવાય છે કે, આ ફિલ્મ સત્ય ઘટનાઓ, પ્રસંગો અને વિચારો પર આધારિત કહાની છે.
આ ફિલ્મ ઉત્તર અને દક્ષિણ બૈંગિસ્તાનના ધર્મના નામે એકબીજાને જુદા દર્શાવતા લોકો પર કેન્દ્રિત છે. ઉત્તરમાં ઈમામ અને દક્ષિણમાં શંકરાચાર્ય સ્કાઈપ દ્વારા એક-બીજાના સંપર્કમાં રહે છે, પરંતુ તેમના વિસ્તારના કટ્ટરપંથીઓના વિચારો કંઈક જુદા જ છે. તેઓ પોતાનો પ્રભાવ અન ભય વધારવા માટે કાવતરું રચે છે. ધર્મ કોઇપણ હોય પરંતુ આતંકવાદીઓનો ચહેરો અને ધ્યેય સમાન જ છે, તે આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે. આ ફિલ્મમાં ‘મા કા દલ’ અને ‘અલ કામ તમામ’ સંગઠન દ્વારા અંતિમવાદી વિચારોની હિમાયત કરનારાઓના કાર્ય અને વ્યવહારને અસરકારક રીતે રજૂ કરાયા છે. આ બંને સંગઠનો પોતાના આગેવાનોને વિશ્વ ધર્મ સંમેલનમાં તબાહી મચાવવા માટે પોલેન્ડ મોકલે છે.
હફીઝ બિન અલી (રિતેશ દેશમુખ) અને પ્રવીણ ચતુર્વેદી (પુલકિત સમ્રાટ) વિવિધ ધર્મના પ્રતિનિધિ છે. તેઓ એક-બીજાના ધર્મને ગંભીરતાથી સમજવાનો પ્રયત્ન કરે છે. ફિલ્મમાં ગીતા અને કુરાનનો ઉલ્લેખ પણ છે. હવે આગળની સ્ટોરી જાણવા આ ફિલ્મ જોવી રહી.
----------------------
નિર્માતાઃ ફરહાન અખ્તર, રિતેશ સિધવાણી
દિગ્દર્શકઃ કરણ અંશુમાન
સંગીતકારઃ રામ સંપથ
ગીતકારઃ પૂનીત ક્રિષ્ના
ગાયકઃ સોના મોહાપાત્રા, અભિષેક નેલવાલ, શાદાબ ફરીદી, રામ સંપથ, બેની દયાલ, નીરજ શ્રીધર, રિતુરાજ મોહન્તી, સૂરજ જગન વગેરે