મુંબઈઃ ફિલ્મ ‘દંગલ’થી પોતાની અભિનય કારકિર્દી શરૂ કરનાર અભિનેત્રી ઝાયરા વસીમે ફિલ્મ ઉદ્યોગને અલવિદા કરતી જાહેરાત કરી છે. રવિવારે સોશિયલ મીડિયા પર આ જાહેરાત કરતાં ઝાયરાએ લખ્યું હતું કે તે અભિનયની કારકિર્દીને કાયમી ધોરણે ગુડબાય કરી રહી છે. ઉલ્લેખનીય છે કે ‘દંગલ’માં અભિનય માટે ઝાયરાને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો.
ફિલ્મમેકર સોનાલી બોસની અપકમિંગ ફિલ્મ ‘ધ સ્કાય ઇઝ પિંક’માં અભિનેત્રી મહત્વની ભૂમિકામાં જોવા મળવાની છે. બોલિવૂડમાં પાંચ વર્ષથી કામ કરતી ઝાયરાએ ફેસબુક સહિત અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક લાંબી પોસ્ટ શેયર કરીછે. જેમાં તેણે જણાવ્યું છે કે મને આ ક્ષેત્રમાં કામ કરીને ખુશી મળી નથી. કારણ કે આ કામ મારી ધાર્મિક આસ્થામાં હસ્તક્ષેપ કરી કરી રહ્યું છે. મારા ઇમાનથી ફિલ્મજગત મને દૂર ધકેલી રહ્યું છે એવું મને સતત લાગતું હતું.
ઝાયરાએ શું સંદેશો લખ્યો?
‘પાંચ વર્ષ પહેલા મેં એક નિર્ણય લીધો હતો જેનાથી મારું જીવન હંમેશાં માટે બદલાઈ ગયું હતું. જેમ જેમ હું બોલિવૂડમાં આગળ વધતી ગઈ તેમ તેમ મારા માટે મોટા પાયે લોકપ્રિયતાના દરવાજા ખૂલતા ગયા. આ ક્ષેત્રમાં મને ખૂબ જ પ્રસંશા અને પ્રેમ મળ્યા છે, પરંતુ આ ક્ષેત્રે મને અજ્ઞાનતાના રસ્તા પર લઈ જવાનું કામ કર્યું. મેં એવા માહોલમાં કામ કરવાનું ચાલુ રાખ્યું જે કામ મારા ઇમાનમાં હસ્તક્ષેપ કરી રહ્યું હતું. ફિલ્મજગતના રસ્તાએ મને અલ્લાહથી દૂર કરી દીધી છે. આથી જ હું આ ફિલ્ડથી પોતાનો સંબંધ તોડી રહી છું.’