અયોધ્યામાં શ્રી રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અનેક રાજ્યોમાં આંશિક કે પૂર્ણ રજા જાહેર કરવામાં આવી હતી. જેમાંથી બોલિવૂડ ઈન્ડસ્ટ્રી પણ બાકાત નહોતી. પ્રાણપ્રતિષ્ઠાના દિવસે સંપૂર્ણ રજા પાળવામાં આવી હતી અને 100 ફિલ્મોનું શૂટિંગ રદ કરવામાં આવ્યું હતું. ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈ દ્વારા સોમવારે નેશનલ હોલિડે જાહેર કરાઇ હતી. ફેડરેશનના પ્રેસિડેન્ટ બી.એન. તિવારીએ સ્ટેટમેન્ટમાં જણાવ્યુ હતું કે, અમે વિશેષ પ્રસંગો પર રજા જાહેર કરીએ છીએ. આ દિવસે તમામ વર્કર્સે રજા પાડી હતી. કોઈ ઈમરજન્સી હોય અથવા વધારે નુકસાન થઈ રહ્યું હોય તેમ લાગે તો લાઈવ પ્રસારણ દર્શાવાશે. અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા પૂર્વે ઠેર-ઠેર જય શ્રી રામ લખેલા ધ્વજ જોવા મળ્યા હતા અને સ્વયંભૂ નાની-મોટી રેલીઓ યોજાઇ હતી. આ દિવસ માટે ઊભા થયેલા જુવાળને જોતાં 70થી વધુ શહેરના 160 જેટલા સિનેમાઘરોમાં મહોત્સવનું લાઈવ પ્રસારણ દર્શાવાયું હતું. ઉલ્લેખનીય છે કે, આ પ્રસંગે બોલિવૂડ અને સાઉથના ઘણાં કલાકારોને આમંત્રણ હતું, અને તેમણે હાજરી પણ આપી હતી. જેમાં અમિતાભ બચ્ચન અને રજનીકાંત જેવા દિગ્ગજોથી માંડીને કંગના રણૌત, ચિરંજીવ અને રણબીર સહિત અનેકનો સમાવેશ થાય છે.