બોલિવૂડ સેલિબ્રિટીઝ એક્ટિંગની સાથે સાથે પોતાની ફિટનેસ માટે પણ જાણીતી છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સમગ્ર ભારત યોગમય બન્યું હતુ ત્યારે આ સેલિબ્રેશનમાં બોલિવૂડ સેલિબ્રિટીસ પણ જોડાઇ હતી. પોતાના યોગ સ્ટુડિયો પર કે પછી ઘરમાં યોગ મેટ પર તન અને મન બન્નેને સંતુલિત કરતા યોગના વિવિધ આસનો કરીને આ દિવસની શાનદાર ઉજવણી કરી હતી. હેલ્થ કોન્સિયસ મલાઈકા અરોરા અને શિલ્પા શેટ્ટીએ પોતાના ઘરે જ યોગના અઘરા આસનો કરીને સહુને નિરોગી રહેવાનો મેસેજ આપ્યો હતો. તો કરિના કપૂર ખાને પણ પોતાના ઘરે જ યોગાસન કર્યા હતાં. અનન્યા પાંડેએ પણ યોગ કરતી પોતાની તસવીર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. રકુલપ્રીત અને જેકી ભગનાનીએ કપલ યોગા કરીને અનોખો ફોટો પોસ્ટ કર્યો હતો. આ સાથે કિયારા અડવાણી, સીન લેશરામે પણ યોગ કરતાં ફોટોઝ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા હતાં. બોલિવૂડના સૌથી ફિટ એક્ટર પૈકી એક વિદ્યુત જામવાલે એક બેલ્ટ માત્ર ચહેરાના સહારે લટકીને યોગના વિવિધ આસનો કરીને સહુ કોઇને ચોંકાવી દીધા હતાં.