પ્રકાશ અને મીઠાશનો તહેવાર એટલે દિવાળી. રંગબેરંગી લાઇટો, ફટાકડાની આતશબાજી અને મનભાવન મીઠાઈઓ. ફિલ્મઉદ્યોગમાં ઘણા કલાકારો છે જેમના ઘરે દિવાળીની ગ્રાન્ડ પાર્ટી યોજાય છે, જેમાં બોલિવૂડ ઉમટે છે. અહીં એવા જ કેટલાંક કલાકારોની વાત છે જેમની પાર્ટીથી તહેવારમાં ચાર ચાંદ લાગી જાય છે.
• આલિયા-રણબીરની સારા સાથે પહેલી દિવાળીઃ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની દીકરી સારા સાથે આ પહેલી દિવાળી છે. કપૂર પરિવાર સારા સાથે હરખભેર તહેવારની ઊજવણી કરશે. એમ પણ કપૂર પરિવાર દિવાળી સેલિબ્રેશન પાર્ટી માટે જાણીતું છે. આ વખતે પણ આ કપૂર પરિવાર દિવાળી પર ધૂમ મચાવવાની તૈયારીમાં છે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની પણ પુત્રી સાથે આ પહેલી દિવાળી છે.
• શાહરુખ ફટાકડાનો શોખીનઃ શાહરુખ ખાન પરિવાર સાથે મળીને પૂજા કરી તહેવારનો શુભારંભ કરે છે. દિવાળીમાં દર વર્ષે શાહરુખ ચેરિટી કરે છે. પાર્ટીમાં આવેલા દરેક મહેમાનને ભેટથી વધાવે છે અને સાંજ પડે સુહાના, આર્યન, અબ્રામ સાથે મળીને ફટાકડા ફોડે છે. ફટાકડા ફોડવામાં શાહરુખ બાળકો કરતાં પણ વધારે શોખીન છે. ત્યારબાદ પરિવાર અને મહેમાનો સાથે મળી તે રાત્રી ભોજનનો આનંદ માણે છે.
• સલમાનની સર્વધર્મ સમભાવ દિવાળીઃ શાહરુખની જેમ સલમાન પણ ધામધૂમથી દિવાળીની ઊજવણી કરે છે. સલમાનના માતા સલમા મૂળ હિન્દુ પરિવારમાંથી છે, સલમાનની બંને બહેનોનાં લગ્ન પણ હિન્દુ પરિવારમાં થયા છે. જ્યારે હેલન કેથલિક છે. આમ સલમાનનું ઘર સર્વધર્મ સમભાવનું એક જીવંત ઉદાહરણ છે. ઈદ હોય ક્રિસમસ હોય કે પછી દિવાળી હોય - તેઓ બધા જ ધર્મ સાથે મળીને ધામધૂમથી ઊજવે છે.
• શિલ્પાની પરંપરાગત દિવાળીઃ શિલ્પા શેટ્ટી પણ પરંપરાગત રીતથી તહેવારની ઊજવણી કરે છે. તે આખા ઘરને ફૂલો અને રંગબેરંગી લાઈટો તેમજ દીવાથી શણગારે છે. ધનતેરસમાં પરિવાર સાથે મળી પૂજા કરી નવા વર્ષની શુભ શરૂઆત કરે છે. શિલ્પા રંગોળી પૂરવી ખૂબ ગમે છે. દર વર્ષે તે તેનું આંગણું સુંદર રંગોળીથી શોભાવે છે.
• સંજુબાબાએ પરંપરા જાળવીઃ એક સમય હતો કે દિવાળીમાં માતા નરગીસ આખા ઘરને રોશનીથી શણગારતા હતા. પાર્ટીનું આયોજન કરી ધામધૂમથી તહેવારની ઊજવણી કરતા. એ પાર્ટીમાં આખા ફિલ્મઉદ્યોગને ઓપન ઇન્વિટેશન અપાતું હતું. ફિલ્મ કલાકારોનો મેળો ભરાતો હતો. જોકે માતાનાં મૃત્યુ બાદ પાર્ટીનો સિલસિલો ત્યાં જ થંભી ગયો, પરંતુ સુનિલ દત્તે બધાના ઘરે મીઠાઈ મોકલાવાનું ચાલું રાખ્યું. તેમજ ઓફિસમાં પણ લક્ષ્મી પૂજા થતી અને કર્મચારીઓને મીઠાઈઓ વહેંચાતી હતી. હવે પિતા નથી રહ્યા તો પુત્ર સંજય દત્ત આ પરંપરા અનુસરી રહ્યો છે. આજે પણ માન્યતા આખા ઘરને શણગારે છે. માન્યતા કહે છે કે અમે બધા મળીને પૂજા કરીએ છીએ. દિવાળીમાં બધા મિત્રોના ઘરે મીઠાઈ પણ મોકલીએ છીએ. બહેનો અને પરિવાર સાથે રાત્રી ભોજનનો આનંદ માણીએ છીએ.