૭ જુલાઇએ શાહિદ કપૂર અને મીરાં રાજપૂતે વિવાહ કર્યા છે. આ સાથે જ મિનીષા લાંબાએ તેના વર્ષો જૂના બોયફ્રેન્ડ રાયન થામ સાથે ૬ જુલાઇએ લગ્ન કરી લીધા છે. મિનીષાને પરિવારમાં આવકારતા પૂજા બેદીએ ટ્વિટર પર આ જાહેરાત કરી હતી. પૂજા બેદી રાયન થામની પિતરાઇ બહેન છે. પૂજાએ ટ્વિટમાં લખ્યું હતું કે, ‘મિનીષા અમારા પરિવારમાં તારું સ્વાગત છે. આશા રાખું છું કે મારા ભાઇ રાયન સાથે તારું આગામી જીવન આનંદથી ભરપૂર હોય.’ પૂજા બેદીએ લગ્નની ઉજવણીમાં જતાં પોતાની દીકરી આલિયા સાથેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર મુકી હતી. ઉપરાંત પૂજાએ વેડિંગ લંચ ખાતે નવવિવાહિત યુગલ સાથેનો ગ્રૂપ ફોટો પણ મુક્યો હતો.
તો, બીજી તરફ ૩૪ વર્ષીય શાહિદ કપૂર અને ૨૧ વર્ષીય મીરા રાજપૂતે નવી દિલ્હીમાં પ્રભુતામાં પગલાં માંડ્યા છે. ઉદ્યોગપતિ શિવિન્દરસિંહના ફાર્મહાઉસમાં લગ્ન સમારંભ યોજાયો હતો. જેમાં ૪૦ જેટલા ખૂબ જ અંગત પરિવારજનો અને મિત્રો જ હાજર રહ્યા હતા. કોઇ ફિલ્મી હસ્તી પણ હાજર નહોતી. ઉલ્લેખનીય છે કે, શાહિદના કરીના કપૂર સાથે અગાઉ ગાઢ સંબંધ હતા. પછી તેમનું બ્રેકઅપ થયું હતું અને કરીનાએ સૈફઅલી ખાન સાથે લગ્ન કરી લીધા હતા.