રાધાકૃષ્ણ, જગરલામૂડી અને કંગના રણૌત ડિરેક્ટેડ ફિલ્મ ‘મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસી’માં કંગના રણૌતે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની કથાને ફિલ્મી પરદે જીવંત બનાવી છે. આ એક ઐતિહાસિક ફિલ્મ છે અને ફિલ્મમાં રાણી લક્ષ્મીબાઈના સાહસ અને બલિદાનની વાતને સુંદર રીતે રજૂ કરાઈ છે. આ ફિલ્મના પ્રોડ્યુસર કમલ જૈન અને નિશાંત પિટ્ટી છે.
ઝલકારી બાઈના પાત્રમાં અંકિતા લોખંડેનો અભિનય પણ સુંદર છે. પહેલી ફિલ્મમાં તે પોતાની હાજરી નોંધવા મજબૂર કરે છે. પેશવાના રોલમાં સુરેશ ઓબેરોય, રાજગુરુ તરીકે કુલભૂષણ ખરબંદા, ગૌસ બાબાના રોલમાં ડેની ડેંગ્ઝપ્પા અને સદાશિવના રોલમાં મહોમ્મદ જીશાન અય્યુબ પ્રભાવિત કરે છે. ફિલ્મમાં બેકગ્રાઉન્ડ સ્કોર અને સંગીત પણ કર્ણપ્રિય છે.
કરણી સેનાના વિરોધ વચ્ચે રજૂ થયેલી આ ફિલ્મમાં રાણીના અંગ્રેજ અફસર સાથે કોઈ અણછાજતા દૃશ્યો નથી તેવી ખાતરી સાથે કંગના આ ફિલ્મ અંગેના નિવેદનોને લઇને સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે.
કંગનાનો સાથ આપતાં આ ઐતિહાસિક ફિલ્મ માટે ડાયલોગ અને ગીતના લેખક પ્રસૂન્ન જોશીએ જણાવ્યું છે કે, રાણી લક્ષ્મીબાઈનું જીવન અને કિરદાર આપણા બધા માટે પ્રેરણા છે અને આ ફિલ્મમાં કંઈ એવું નથી જેના માટે વિરોધ કરવો પડે. કંગના રોલ માટે એકદમ ફિટ છે.