ફિલ્મજગતને ‘રજનીગંધા’, ‘બાતોં બાતોં મેં’, ‘એક રૂકા હુઆ ફૈંસલા’ અને ‘ચિત્તચોર’ જેવી ફિલ્મોની ભેટ આપનારા ફિલ્મ નિર્દેશક બાસુ ચેટરજીનું ચોથી જૂને ૯૦ વર્ષની વયે અવસાન થયું છે. ફિલ્મ નિર્માતા અને ભારતીય ફિલ્મ અને ટીવી ડિરેક્ટર્સ એસોસિયેશનના પ્રમુખ અશોક પંડિતે ટ્વિટ કરીને બાસુ ચેટરજીના અવસાન અંગેની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ઉંમરને કારણે કેટલાક સમયથી તેમની તબિયત કથળેલી હતી. સાંતાક્રૂઝ સ્મશાનગૃહ ખાતે બાસુને અંતિમ સંસ્કાર આપવામાં આવ્યા હતા. કાર્ટુનિસ્ટ ખાતે કારકિર્દી શરૂ કરનારા ચેટરજીનો જન્મ અજમેરમાં થયો હતો. રાજ કપૂર અને વહીદા રહેમાનને ચમકાવતી ફિલ્મ ‘તીસરી કસમ’ના નિર્માણ સમયે બાસુ ચેટરજી તે બાસુ ભટ્ટાચાર્યના સહાયક રહ્યા હતા. તે સાથે જ ચેટરજીએ પોતાની કારકિર્દી બદલી નાંખી હતી. બાસુદાએ મહદઅંશે શહેરી મધ્યવવર્ગના જીવન પર ફિલ્મો બનાવી હતી.