અભિનેતા અનુપમ ખેર પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંઘ પરના પુસ્તક ‘ધી એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ પરથી બની રહેલી ફિલ્મ ‘પ્રધાનમંત્રી’માં મનમોહન સિંઘનો રોલ કરી રહ્યા છે. તેમણે આ રોલ વિશે કહ્યું કે, મારી આખી કારકિર્દીનો આ સૌથી ટફ રોલ છે. કોઈ કાલ્પનિક પાત્ર ભજવવાનું હોય તો તમે એમાં અંગત રંગો ઉમેરી શકો, પરંતુ તમારી આસપાસ રહેતી તેમજ દેશના ઇતિહાસમાં નામ નોંધાયું હોય એવી વ્યક્તિનો રોલ કરતી વખતે ખૂબ ધ્યાન રાખવું પડે. કરોડો લોકોએ એ વ્યક્તિને જોઇ હોય. દેશવિદેશના લોકો એ વ્યક્તિના નામ અને કામથી પરિચિત હોય ત્યારે એક અભિનેતા તરીકેની તમારી જવાબદારી અનેકગણી વધી જાય છે. મારે સતત જાગૃત રહીને આ રોલ કરવો પડે એવી પરિસ્થિતિ છે. તેથી મેં આ રોલ માટે સતત ચારેક મહિના મનમોહન સિંઘના વ્યક્તિત્વનો અભ્યાસ કર્યો હતો. અત્યાર સુધીમાં ફિલ્મનું પચાસ ટકાથી વધુ ફિલ્મનું કામ પૂરું થયું છે.