રાઇટર ડિરેક્ટર રામ રેડ્ડીની ફિલ્મ ‘ધ ફેબલ’એ 38મા લીડ્ઝ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2024ની મેઇન ઇન્ટરનેશનલ કોમ્પિટીશનનો બેસ્ટ ફિલ્મ માટેનો એવોર્ડ જીતીને ઇતિહાસ સર્જ્યો છે કારણ કે આ એવોર્ડ જીતનારી આ પહેલી ભારતીય ફિલ્મ છે. 1987માં આ ફેસ્ટિવલ શરૂ થયો ત્યારથી કોઈ ભારતીય ફિલ્મે આ એવોર્ડ જીત્યો ન હોવાથી આ ભારતીય સિનેમા માટે એક નોંધપાત્ર સિદ્ધિ છે. આ પહેલાં ‘ધ ફેબલ’નું બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં વર્લ્ડ પ્રીમિયર થયું હતું, તેમજ મામી મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મને સ્પેશિયલ જ્યુરી પ્રાઇઝ મળ્યું હતું.
ફિલ્મના ડિરેક્ટર રામ રેડ્ડીએ કહ્યું, ‘લીડ્ઝ એક પ્રતિષ્ઠિત ફેસ્ટિવલ છે. આ ફેસ્ટિવલમાં પસંદ થયેલી ફિલ્મો તો અદ્દભુત હોય જ છે સાથે આ ફેસ્ટિવલને એકેડેમી એવોર્ડ માટેનો ક્વોલિફાઇંગ એવોર્ડ માનવામાં આવે છે, જેમાં આ વર્ષે 250 સુંદર ફિલ્મો દર્શાવાઈ. મને આ વર્ષના ફેસ્ટિવલમાં ‘ધ ફેબલ’ રજૂ કરવાની તક મળી અને આ ફિલ્મને ઓડિયન્સનો જે પ્રતિસાદ મળ્યો તે જોરદાર હતો. તેનાથી અમારો ઉત્સાહ ઘણો વધ્યો. આ રીતે આ પ્રકારના ફેસ્ટિવલમાં અમને શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળવો એ એક ફિલ્મમેકર તરીકે હું આભાર અને સંતોષની લાગણી અનુભવું છું. હું આ એવોર્ડ અમારી સમગ્ર ટીમને સમર્પિત કરવા માગું છું, જેમના વર્ષોના પ્રયત્નો અને મહેનતથી આ ફિલ્મ જીવંત બની.’ ફિલ્મના લીડ એક્ટર મનોજ બાજપાઈએ જણાવ્યું, ‘આ ફિલ્મનો ભાગ બનીને હું અતિશય ગૌરવ અનુભવું છું કે આ ફિલ્મ વિશ્વકક્ષાએ લોકોને સ્પર્શી શકે છે. પ્રતાપ રેડ્ડી અને રામ રેડ્ડી સાથે જુહી અગ્રવાલ, ગુનિત મોંગા તેમજ અચિન જૈનની વાર્તા કહેવાની રીત અને વાસ્તવિકતાને જાદુઈ રીતે ઊંડાણ ઉમેરવાની શૈલીથી મને અનોખો અનુભવ પ્રાપ્ત થયો છે. મારી સાથે પ્રિયંકા બોઝ, દીપક ડોબરિયાલ અને તિલોત્તમા શોમેએ પણ અદ્દભુત કામ કર્યું છે. આ માત્ર અમારી ફિલ્મની જીત નહીં પણ ભારતીય સિનેમાની એક ગૌરવપૂર્ણ સિદ્ધિ છે. આશા છે કે આ ફિલ્મ લોકોને પ્રેરિત કરતી રહે અને સ્પર્શતી રહે.”
ગુનીત મોંગાએ આ અંગે જણાવ્યું હતું, “આ ફિલ્મને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો તેનાથી હું અતિ ઉત્સાહીત છું. આ ભારતીય સિનેમાની પહેલી જીત છે. રામ રેડ્ડીની દૃષ્ટિ અને મનોજ બાજપાઈના અભિનયનું આ પરિણામ છે. લોકો આ ફિલ્મ સાથે જોડાઈ શકે છે તે અમારા માટે ગૌરવની વાત છે.”
આ એક ઇન્ડિયન-યુએસ પ્રોડક્શનની સહિયારી ફિલ્મ છે. જેમાં એક શાંત પરિવારના જીવનમાં કેટલીક રહસ્યમય ઘટનાઓને કારણે ઉથલ-પાથલ મચી જાય છે તેની વાત છે. આ ફિલ્મ આ પહેલાં ઘણા આંતરરાષ્ટ્રીય મહોત્સવોમાં રજૂ થઈ ચૂકી છે.