મુંબઈઃ બે હજાર કરોડ રૂપિયાના ડ્રગ કૌભાંડમાં અભિનેત્રી મમતા કુલકર્ણી અને તેના પતિ વિકી ગોસ્વામીની મુશ્કેલી વધી શકે છે. કેમ કે પોલીસ બંને માટે રેડ કોર્નર નોટિસ બહાર પાડવાની તૈયારી કરી રહી છે. થાણે પોલીસ કમિશ્નરે આ મુદ્દે કહ્યું હતું કે, અમારી પ્રાથમિકતા અભિનેત્રીને ભારત લાવવાની છે. આથી તેની સામે રેડ કોર્નર નોટિસ માટેની તૈયારી કરી રહ્યા છીએ.
આ કેસમાં ૧૦ જણની ધરપકડ કરાઈ છે અને વધુ આરોપી પકડાઈ શકે છે. અભિનેત્રી મમતા કુલકર્ણી તેની ફિલ્મી કારકિર્દી દરમિયાન પણ સતત વિવાદમાં રહેતી હતી. ફિલ્મો કરતા જુદા જુદા વિવાદને લીધે તેની ચર્ચા થતી હતી. નશીલા પદાર્થની દાણચોરી કરતા વિકી ગોસ્વામી સાથે મમતાના લગ્ન થયા હતા. પોલીસના પુત્ર વિકીનો જન્મ ગુજરાતમાં થયો હતો. તેનો ઉછેર મુંબઈમાં થયો હતો. તે પાર્ટીમાં નશીલા પદાર્થ પૂરો પાડતો હતો.
યુએઈમાં ડ્રગ કેસમાં પકડાયા બાદ જામીન મળતાં વિકી ફરાર થઈ ગયો હતો. ગત વર્ષે કેન્યામાં નશીલા પદાર્થના મામલામાં તેની ધરપકડ થઈ હતી. હાલ તે જામીન પર બહાર હતો. રૂ. બે હજાર કરોડના ડ્રગ કૌભાંડના નવ આરોપીને જયુડિશિયલ કસ્ટડી મળી ગઈ છે. જ્યારે ૧૦મો આરોપી જયમુખી પોલીસ કસ્ટડીમાં છે.