બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાનું નિધન થયું છે. તેમણે 11 સપ્ટેમ્બરે સવારે મુંબઇના બાન્દ્રા સ્થિત એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં છઠ્ઠા માળે આવેલા તેમના ફ્લેટની ટેરેસ પરથી કૂદીને આપઘાત કર્યો હતો. આ સમયે મલાઇકા પૂણેમાં હતી. પિતાના આપઘાતની જાણ થતાં જ તે તરત મુંબઈ પહોંચી હતી. તેની નાની બહેન અમૃતા અરોરા પણ તેની સાથે હતી. મલાઇકાનો બોયફ્રેન્ડ અર્જુન કપૂર, પૂર્વ પતિ અરબાઝ ખાન, પુત્ર અરહાન ખાન, સલીમ ખાન, સલમા ખાન અને હેલન, સોહેલ ખાન અને સીમા સજદેહ, અલવીરા અગ્નિહોત્રી, અમૃતાનો પતિ શકીલ લડક, કરીના કપૂર ખાન, ચંકી પાન્ડે અને અનન્યા પાન્ડે, સોફી ચૌધરી, કિમ શર્મા અને રિતેશ સિધવાની પણ પહોંચ્યા હતા. મુંબઈ પોલીસ અને ફોરેન્સિક ટીમે પણ અનિલ અરોરાના ઘરે પહોંચીને તપાસ હાથ ધરી હતી. પંજાબી હિન્દુ પરિવારના અનિલ અરોરા મર્ચન્ટ નેવીમાં રહી ચૂક્યા છે. તેમણે મલયાલી ક્રિશ્ચિયન પરિવારનાં જોયસ પોલીકાર્પ સાથે લગ્ન કર્યા હતા. મલાઈકાએ અગાઉ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યા મુજબ તે માત્ર 11 વર્ષની હતી ત્યારે તેના માતા-પિતાના ડિવોર્સ થઇ ગયા હતા. ત્યાર બાદ મલાઇકા અને અમૃતા તેની માતા સાથે રહેતી હતી. મલાઇકાના કહેવા પ્રમાણે તેને અને અમૃતાને તેની માતાએ એકલા હાથે ઉછેરી હતી. જોકે મલાઇકાની નજીકના સૂત્રોનું કહેવું છે કે આ આપઘાત નહીં પણ દુર્ઘટના હતી.