‘હોશવાલોં કો ખબર બેખુદી ક્યા ચીઝ હૈ’, ‘તુ ઈસ તરાહ સે મેરી ઝિંદગી મેં શામિલ હૈ’ અને ‘કભી કિસીકો મુકમ્મલ જહાં નહીં મિલતા’ જેવી અનેક સુંદર ગઝલ અને ગીતના રચયિતા શાયર નિદા ફઝલીએ આઠમી ફેબ્રુઆરીએ હાર્ટએટેકના લીધે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ ૭૮ વર્ષના હતા. પદ્મશ્રી અને સાહિત્ય અકાદમી જેવા અનેક પુરસ્કારોથી સન્માનિત નિદાની મોટાભાગની રચનાઓને ગઝલકાર જગજિત સિંહે સ્વર આપ્યો હતો.
૧૨મી ઓક્ટોબર ૧૯૩૮ના દિવસે મૂળ કાશ્મીરી અને દિલ્હીમાં જન્મેલા ફાઝલીને શાયરી વારસામાં મળી હતી. તેમનાં ઘરમાં ઊર્દૂ અને ફારસીનાં ગ્રંથ રહેતા હતા. અલબત્ત, નવાઈની વાત તો એ છે કે ચુસ્ત મુસ્લિમ પરિવારના ફરજંદ નિદાને લેખનની પ્રેરણા સંત સૂરદાસના પદથી મળી હતી. બાળપણમાં એક મંદિર પાસેથી તેઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ પૂજારી સુમધૂર કંઠે સૂરદાસનું વિખ્યાત પદ ‘અખિયાં હરિ દરસન કો પ્યાસી’ ગાઈ રહ્યા હતા અને નિદાના પગ ત્યાંજ થંભી ગયા હતા. નિદાએ હંમેશાં સ્વીકાર્યું પણ હતું કે, તેમની નઝમ અને શાયરીઓ પર સંત તુલસીદાસ, સૂરદાસ, મીરાંબાઈ અને કબીર જેવા મધ્યયુગના સંત કવિઓની ગહેરી અસર રહી છે.