મહાદેવ ઓનલાઈન સટ્ટા એપના પ્રમોટરનાં 200 કરોડ રૂપિયાનાં ખર્ચે થયેલાં લગ્નમાં હાજરી આપનારા અને હવાલાથી નાણાંની લેવડદેવડમાં સંડોવણીની શંકા ધરાવતી બોલિવૂડ સેલિબ્રિટીમાં વધુ કેટલાંક નામો બહાર આવ્યાં છે. એક અહેવાલ મુજબ આશરે 34 જેટલી હસ્તીઓ આ લિસ્ટમાં સામેલ છે. આ તમામને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) પૂછપરછ માટે બોલાવી શકે છે. અગાઉના અહેવાલ અનુસાર 17 હસ્તીઓ આ લિસ્ટમાં સામેલ હોવાનું મનાતું હતું. જોકે હવે ઈડી દ્વારા રણબીર કપૂર, શ્રદ્ધા કપૂર, કપિલ શર્મા, હુમા કુરેશી તથા હિના ખાનને પૂછપરછ માટે સમન્સ પાઠવાયા બાદ વધુ કેટલાક નામ સામે આવ્યાં છે. આ હસ્તીઓમાં સંજય દત્ત, ખાન, રશ્મિકા મંદાના, સોનાક્ષી સિંહા, નોરા ફતેહી, મૌની રોય, દીપ્તિ સાધવાની, સોનુ સુદ, હાર્ડી સંધુ, સુનિલ ગ્રોવર, ગુરુ રંધાવા, સુખવિંદર સિંહ, ટાઈગર શ્રોફ, નુસરત ભરુચા, ડીજે ચેતસ, અમિત ત્રિવેદી, આફ્તાબ શિવદાસાની, ડેઝી શાહ, ઉર્વશી રૌતેલા, નેહા શર્મા, ઈશિતા રાજ, શમિતા શેટ્ટી, પ્રીતિ જાંગિયાની, સ્નેહા ઉલ્લાલ, સોનાલી સહગલ, ઈશિતા દત્તા, એલનાઝ, અરબાઝની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા, રફ્તાર વગેરે સામેલ હોવાનું કહેવાય છે.
આ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકરના લગ્નમાં યુએઈમાં હાજરી આપવા માટે મુંબઈની એક ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની મારફતે આ કલાકારોને હાજર રાખવામાં આવ્યા હતા. આ કંપનીને હવાલા થકી ચુકવણી થઈ હોવાનું કહેવાય છે.