અમિતાભ બચ્ચનની કંપની એબી કોર્પ દ્વારા કોરોના અને લોકડાઉનના કારણે સંકટમાં ફસાયેલા જરૂરિયાતમંદો માટે ભોજન અને અન્ય કિટની વ્યવસ્થા તો અગાઉ કરાઈ જ છે. ઉત્તર પ્રદેશના પરપ્રાતીયોને તેમના વતન પહોંચાડવા અમિતાભ બચ્ચને હાજી અલીથી દસ બસની વ્યવસ્થા કરી હતી. ૫૦૦ શ્રમિકોને બસ દ્વારા તેમના મૂળ ગામે મોકલ્યા બાદ મહાનાયકે ૧૦૦૦ જેટલા પરપ્રાંતીય મજૂરોને વિમાન માર્ગે તેમના ગામ મોકલવાની ગોઠવણ કરી છે.
અહેવાલ છે કે અમિતાભ બચ્ચને આશરે ૧૮૦ શ્રમિકોને વિમાન દ્વારા વારાણસી મોકલ્યા હતા. મહાનાયકે ૧૫૦૦ શ્રમિકોને ટ્રેન દ્વારા તેમના વતન મોકલવાનું આયોજન કર્યું હતું, પરંતુ તેમાં ઘણો વધુ સમય લાગે તેમ હોવાથી તેમણે શ્રમજીવીઓને વિમાન માર્ગે તેમના ગામ મોકલવાનો નિર્ણય કર્યો હતો. એક વિમાન રવાના કર્યા બાદ અમિતાભ બચ્ચને બીજા દિવસે ૧૧મી જૂને વધુ બે ચાર્ટર્ડ ફ્લાઈટ દ્વારા અન્ય શ્રમિકોને તેમના વતન રવાના કર્યાં હતાં.