બહુચર્ચિત બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણીએ વીતેલા સપ્તાહે મહાકુંભમાં ભગવા ધારણ કરી લીધાના સમાચાર અખબારોમાં બહુ જ ચમક્યા હતા. સાથે સાથે જ તેને કિન્નર અખાડાની મહામંડલેશ્વર બનાવવાની ઘટનાનો પણ ભારે વિવાદ થયો હતો. અખાડાના આ નિર્ણય સામે સંખ્યાબંધ સાધુ-સંતોએ વાંધો ઉઠાવ્યો હતો. કિન્નર અખાડાના આચાર્ય લક્ષ્મીનારાયણ ત્રિપાઠી દ્વારા લેવાયેલા નિર્ણયને કારણે કિન્નર અખાડામાં ફૂટ પડી ગઈ હતી. પરિણામે કિન્નર અખાડાના સંસ્થાપક ઋષિ અજયદાસે વિદ્રોહ કર્યો છે. તેમણે આચાર્ય લક્ષ્મીનારાયણ ત્રિપાઠીના નિર્ણયનો આકરો વિરોધ કરતા મમતા કુલકર્ણીને મહામંડલેશ્વરના પદ પરથી હટાવી દેવાની સાથે સાથે જ લક્ષ્મીનારાયણ ત્રિપાઠીની પણ અખાડામાંથી હકાલપટ્ટી કર્યાનું જાહેર કર્યું હતું. જોકે હવે અજયદાસના આ આદેશ અંગે અખાડામાં જ વિવાદ ઊઠયો છે. અખાડાના ઘણા બધા લોકો દાસના આદેશને માનવા માટે તૈયાર નથી. ઋષિ અજયદાસે એક પત્ર લખીને કહ્યું હતું કે મમતા કુલકર્ણીને કિન્નર અખાડામાં પ્રવેશ અપાવનારા લક્ષ્મીનારાયણ ત્રિપાઠીને પણ આચાર્ય મહામંડલેશ્વરના હોદ્દા પરથી મુક્ત કરાયા છે. તેમણે કહ્યું હતું કે જલદી જ અખાડાના નવા આચાર્ય મહામંડલેશ્વરના નામની જાહેરાત કરવામાં આવશે. આ વિવાદમાં કોનો નિર્ણય માન્ય રહે છે એ તો સમય જ કહેશે.