વીસ વર્ષ પહેલાં એટલે કે 2005માં કાર પાર્ક કરવાના વિવાદમાં એક વ્યક્તિની મારપીટ કરવા પ્રકરણે દોષી ઠરાવાયેલા આદિત્ય પંચોલી સામે રાહતના સમાચાર છે. સેશન્સ કોર્ટે એને દોષી ઠરાવીને એક વર્ષ કેદની સજા ફરમાવતા નીચલી અદાલતના ચુકાદાને કોર્ટે યોગ્ય તો ઠરાવ્યો છે, પણ સારા વર્તનના કારણે એની સજા માફ કરી છે. આ સાથે જ કોર્ટે આદિત્ય પંચોલીને આદેશ કર્યો હતો કે તેણે વળતર પેટે દોઢ લાખ રૂપિયા ફરિયાદીને ચૂકવવાના રહેશે.
કોર્ટે કહ્યું હતું કે આ ઘટના લગભગ 20 વર્ષ પહેલાં બની હતી. અત્યારે આરોપી 71 વર્ષનો છે. ઉપરાંત એ એક જાણીતો અભિનેતા છે. એની કોઈ ગુનાહિત ભૂતકાળ નથી અને કાર ઊભી રાખવા પરથી થયેલા વિવાદમાં અચાનક એના હાથે આ કૃત્ય થયું છે. નીચલી અદાલતે પ્રકરણનો ચુકાદો આપતાં આ બાબતનો પૂરતો વિચાર કર્યો નથી. આરોપીએ ક્રૂર પદ્ધતિથી કૃત્ય કર્યું નથી.