સિંગર લકી અલી બોલિવૂડની ચમકદમકથી લાંબા સમયથી દૂર છે. થોડા દિવસ પહેલાં તેમનો ગોવાનો વીડિયો વાઇરલ થયો હતો. હવે તેમણે ટ્વિટર પર એવું સ્ટેટસ પોસ્ટ કર્યું છે કે જેને જોઈને લોકો કન્ફ્યુઝ્ડ છે. લકી અલીએ મુસ્લિમ હોવાથી શું થાય છે તે મુદ્દે પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા છે. તેમણે લખ્યું કે મુસ્લિમ હોવાથી તમે દુનિયામાં એકલા પડી જાઓ છો અને લોકો તમને આતંકવાદી સમજવા લાગે છે.
લકી અલીએ લખ્યું છે કે, ‘આજકાલ દુનિયામાં મુસ્લિમ હોવું, તે એકલા પડી જવા બરાબર છે. મહમ્મદના બતાવેલા રસ્તે ચાલવાનો અર્થ પણ એકલા પડવાનો જ છે, તમારા મિત્રો તમને છોડી દેશે, દુનિયા તમને આતંકવાદી કહેશે.’ લકી અલીની આ પોસ્ટ પર અનેક લોકોએ કોમેન્ટ કરી છે કે લોકો સમજી નથી શકતા કે આખરે તેમણે એવું શા માટે લખ્યું? એક યૂઝરે કોમેન્ટ કરી હતી કે, ‘આ પરીક્ષા છે. તમે કોને ખુશ કરશો? અલ્લાહને? કે પછી એ લોકોને કે જેને તમે મિત્ર સમજી રહ્યા હતા.’ એક યૂઝરે લખ્યું કે, ‘જો તમારા મિત્રો તમને છોડી રહ્યા છે, તો તેઓ કદી તમારા મિત્ર હતા જ નહીં. તમારે તમારા ધર્મનો આભાર માનવો જોઈએ કે આસપાસ વસી રહેલા લોકોની માનસિકતા સમજી ચૂક્યા છો, નહિતર પૂરી જિંદગી દ્વિધામાં જ રહ્યા હોત.’
એક ફોલોઅરે તેમની પોસ્ટ પર જવાબ આપ્યો કે, ‘ઉસ્તાદજી સારા અને નરસા એમ બંને પ્રકારના લોકો હોય છે. તમે લિજેન્ડ છો અને હંમેશા રહેશો. દરેક સારો માણસ સારો માણસ જ રહે છે. તે બાબતથી કોઈ ફરક નથી પડતો કે તે લકી અલી છે કે લકી શર્મા.’
ઉલ્લેખનીય છે કે લકી અલી જાણીતા હાસ્ય અભિનેતા મહેમૂદના પુત્ર છે. તેમનું અસલી નામ મકસૂદ મોહમ્મદ અલી છે. પરંતુ તેઓ લકીના નામે જાણીતા છે.