સલમાનખાનના પિતા સલીમખાને જણાવ્યું છે કે, ‘મારો પુત્ર મુસ્લિમ અને સેલિબ્રિટી હોવાથી તેને હેરાન કરવામાં આવે છે.’ પીઢ પટકથા લેખક સલીમખાને એક ટીવી મુલાકાતમાં જણાવ્યું હતું કે ભાજપના એક સ્થાનિક નેતા આશિષ શેલારે મને ધમકી આપી હતી કે તેમને જ્યારે તક મળશે ત્યારે સલમાનને ફટકારશે. સલમાને ૧૯૯૩ના મુંબઇ બોમ્બ વિસ્ફોટના દોષિત યાકુબ મેમણની ફાંસીનો વિરોધ કરતાં ટ્વિટ કર્યાં હતાં, જેના પગલે શિવસેના અને ભાજપે સલમાનનાં ઘરની સામે વિરોધપ્રદર્શન કર્યાં હતાં.
સલમાનના યાકુબ મેમણ વિશેના ટ્વિટને સલીમખાને અર્થવિહીન ગણાવ્યાં હતાં. સલમાને યાકુબ મેમણ વિશે ૧૪ ટ્વિટ કર્યાં હતાં પછી સલમાન ખાનની આકરી ટીકા થઇ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે સલીમખાને જણાવ્યું હતું કે મોદી કોમવાદી નથી. રમખાણોને કોઇ નિયંત્રિત કરી શકતું નથી. સલીમખાને જણાવ્યું હતું કે, ધર્મને આતંક સાથે કોઇ લેવાદેવા નથી. મુસ્લિમોએ સાચા ઈસ્લામને જાણવો જરૂરી છે.