મુંબઈઃ બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનના મીણના પૂતળાને બદલીને નવી પ્રતિમા મુકાશે અને લંડનના મેડમ તુસાદ મ્યુઝિયમમાં અમિતાભના નવા પૂતળાની તૈયારી શરૂ થઈ ગઈ છે.
મેડમ તુસાદ સંગ્રાહલયમાં ૨૦૦૦ની સાલમાં અમિતાભ બચ્ચનનું મીણનું પૂતળું મૂકવામાં આવ્યું હતું. એ સમયે બિગ બી ‘કભી ખુશી કભી ગમ’નું શૂટિંગ કરી રહ્યા હતા. અમિતાભના સ્ટોચ્યુનો લુક પણ એ ફિલ્મને મળતો જ આવતો હતો. આ સ્ટેચ્યુમાં બિગ બી ફ્રેન્ચ કટ સફેદ દાઢીમાં જોવા મળે છે, પરંતુ હવે ૧૬ વરસ પછી મેડમ તુસાદના મ્યુઝિયમના મેનેજમેન્ટે તેમના સ્ટેચ્યુનો લુક બદલવાનો નિર્ણય કર્યો છે. અમિતાભે જણાવ્યું હતું કે, હું એ સમયે ‘કભી ખુશી કભી ગમ’નું શૂટિંગ કરતો હતો. તેથી મારા સ્ટોચ્યુને એ લુક અપાયો હતો. તાજેતરમાં જ મેડમ તુસાદના મેનેજમેન્ટે મારા નવા માપ અને લુક અંગે મારો સંપર્ક કર્યો હતો. આ વખતે મારા સ્ટેચ્યુને નવો લુક મળશે.
મેડમ તુસાદમાં બોલિવૂડના કલાકારોમાંથી સર્વપ્રથમ અમિતાભ બચ્ચનનું મીણનું સ્ટેચ્યુ મુકાયું હતું. એ પછી શાહરુખ ખાન, સલમાન ખાન, ઐશ્વર્યા રાય બચ્ચન અને હૃતિક રોશનના સ્ટેચ્યુ મ્યુઝિયમમાં મુકાયા હતા.