હોલિવૂડની ‘ફોરેસ્ટ ગમ્પ’ની હિન્દી રિમેક ફિલ્મ ‘લાલસિંહ ચઢ્ઢા’ માટે આમિર ખાને સાડાત્રણ કિલો વજન ઉતાર્યું છે. ફિલ્મ માટે તે હજી ૨૦ કિલો વજન ઘટાડશે. આમિર ન્યુટ્રિશનલ બાયોકેમિસ્ટ ડો. નિખિલ ધુરંધરના માર્ગદર્શન હેઠળ ડાયટ ફોલો કરે છે. ફિલ્મ અને પોતાની ડાયટ વિશે આમિરે કહ્યું હતું કે, હું આ ફિલ્મમાં એક યુવાન વ્યક્તિનું પાત્ર ભજવવાનો છું એથી મને ૨૦ કિલો વજન ઘટાડવાનું રહેશે.
મેં બે અઠવાડિયાની અંદર ડો. ધુરંધરના ગાઇડન્સમાં સાડા ત્રણ કિલો વજન ઉતાર્યું છે. આમિર ખાન વેજિટેરિયન ડાયટ અનુસરે છે અને તે ભારતની બહાર જ્યારે હોય ત્યારે પણ તે પોતાના ડાયટને ફોલો કરી શકે એથી તેને માફક આવે એવો જ ડાયટ પ્લાન ડો. ધુરંધરે બનાવ્યો છે.
આમિરે આ અંગે કહ્યું કે, મને ભારતમાં જેવો ખોરાક મળે છે એવું કદાચ બહાર ન મળી શકે અને એની યોગ્ય માત્રા વિશે પણ હું ન જાણી શકું. એથી જ તેમણે મને એવો ડાયટ પ્લાન આપ્યો છે કે જેને હું પ્રવાસ વખતે સરળતાથી ફોલો કરી શકું છું.