બોલિવૂડના કલાકારો અભિનેતા રણવીર સિંહ અને અભિનેત્રી દીપિકા પદુકોણ ઈટાલીના લેક કોમોમાં ૧૪મી નવેમ્બરે લગ્નગ્રંથિથી જોડાઈ ગયાં હતાં. લગ્ન પ્રસંગે બંનેનાં પરિવારજનો તથા અમુક ખાસ મિત્રો જ હાજર રહ્યા હતા. લેક કોમોનાં વિલા ડેલ બેલબીનેલોમાં આયોજિત લગ્નસમારંભમાં પરંપરાગત ચિત્રપુર સારસ્વત વિધિ અનુસાર લગ્ન બાદ ૧૫મીએ સિંધિ રીતરિવાજથી બંનેએ લગ્ન કર્યાં હતા. દીપિકા કર્ણાટક સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિની છે અને એની માતૃભાષા કોંકણી છે. દીપિકાએ લગ્ન વખતે ફેશન ડિઝાઈનર સબ્યસાચીએ ડિઝાઈન કરેલી વ્હાઈટ એન્ડ ગોલ્ડન રંગની સાડી પહેરી હતી જ્યારે રણવીરે કાંજીવરમ શેરવાની પહેરી હતી.
લગ્નમાં સ્વીત્ઝર્લેન્ડના શેફ દ્વારા સાઉથ ઇન્ડિયન અને પંજાબી ડિશિશનું મેનુ તૈયાર કરવામાં આવ્યું હતું. લગ્ન અગાઉ ૧૨મી નવેમ્બરે રણવી-દીપિકાની સગાઈ યોજાઈ હતી. ૧૨મીએ બંનેએ એકબીજાને વીંટી પહેરાવી હતી. દીપિકાનાં પિતા પ્રકાશ પદુકોણે રિવાજ અનુસાર વરરાજા રણવીરના પગ ધોયા હતા અને એને હાથમાં નાળિયેર આપ્યું હતું. રણવીર અને દીપિકા સંભવતઃ ૧૬મી નવેમ્બરે ભારત પાછા ફરીને બેંગલુરુ તથા મુંબઈમાં ભવ્ય રિસેપ્શન યોજવાના છે. બેંગલુરુની લીલા પેલેસ હોટેલમાં ૨૧મી નવેમ્બરે રિસેપ્શન યોજાશે અને ૨૮મી નવેમ્બરે મુંબઈમાં ગ્રેન્ડ હયાતમાં રિસેપ્શન થશે.
ઉલ્લેખનીય છે કે લગ્નમાં મહેમાનોને વિનંતી કરવામાં આવી હતી કે એમણે એમની ભેટસોગાદો ડોનેશન સ્વરૂપે દીપિકાની સંસ્થા ‘લાઈવ લવ લાફ ફાઉન્ડેશન’ને આપવી. આ સંસ્થા માનસિક આરોગ્ય અંગે જનજાગૃતિ માટે કામ કરી રહી છે.