રતન ટાટાએ ફિલ્મઉદ્યોગમાં પણ હાથ અજમાવ્યો હતો...

Wednesday 16th October 2024 02:49 EDT
 
 

દેશવિદેશમાં અનેક પ્રકારના ઉદ્યોગોમાં સક્રિય અને સફળતા મેળવનાર રતન ટાટા માટે ફિલ્મઉદ્યોગ એવો અપવાદ હતો જેમાં તેમને નિષ્ફળતા સાંપડી હતી. રતન ટાટાએ 2004માં પ્રોડ્યુસર તરીકે બોલિવૂડમાં ઝંપલાવ્યું હતું અને સુપરસ્ટાર અમિતાભ બચ્ચન, બિપાશા બાસુ અને જ્હોન અબ્રાહમને લીડ રોલમાં લઇને વિક્રમ ભટ્ટની ફિલ્મ ‘એતબાર’ પ્રોડ્યુસ કરી હતી. આ રોમેન્ટિક થ્રિલર ફિલ્મ હોલિવૂડની 1996માં આવેલી ફિલ્મ ‘ફિઅર’થી પ્રરિત હતી. આ ફિલ્મ રતન ટાટાએ ટાટા બીએસેસ બેનર હેઠળ પ્રોડ્યુસ કરી હતી. જાણીતા કલાકારો અને ઘણી ઉત્સુકતા હોવા છતાં આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ સારું પ્રદર્શન કરી શકી નહોતી. આશરે 9.5 કરોડ રૂપિયાના બજેટ સાથે બનેલી આ ફિલ્મની વર્લ્ડવાઇડ કમાણી માત્ર 8 કરોડ રૂપિયા હતી અને રતન ટાટાએ બાકીનું નુકસાન વેઠવું પડ્યું હતું.
એક યુગનો અંતઃ બિગ બી
સુપ્રસિદ્ધ દિગ્ગજ ઉદ્યોગપતિ રતન તાતાના નિધનથી ફક્ત તેમના નિકટના લોકો જ નહીં પણ ફિલ્મી જગતના સિતારાઓ પણ શોકમાં ડૂબી ગયાં છે. અમિતાભ બચ્ચન, સલમાન ખાન, અજય દેવગણથી લઇને પ્રિયંકા ચોપરા અને અનુષ્કા શર્મા, વરુણ ધવન, રણદીપ હૂડા, રિતેશ દેશમુખ, શ્રદ્ધા કપૂર, પંજાબી સુપરસ્ટાર દિલજીત દોસાંજ, સાઉથના સુપરસ્ટાર્સ કમલા હસન, જુનિયર એનટીઆર સહિતની સેલિબ્રિટીએ રતન ટાટાના નિધન પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે. એક ટ્વિટમાં અમિતાભ બચ્ચને જણાવ્યું હતું કે હમણાં જ શ્રી રતન ટાટાના નિધનના સમાચાર મળ્યા. એક યુગ આથમી ગયો છે. એક અત્યંત સમ્માનિત, વિનમ્ર છતાં દૂરંદેશી નેતા જે અપાર દૂરદર્શિતા અને દૃઢ સંકલ્પના સ્વામી હતાં. અનેક અભિયાનો દરમિયાન તેમની સાથે કેટલીક અદભુત પળ વીતાવી હતી. સલમાન ખાને લખ્યું છે કે શ્રી રતન ટાટાના નિધનથી હું ખુબ દુઃખી છું. પ્રિયંકા ચોપરાએ ટ્વિટમાં લખ્યું છે કે તમે તમારી દયાળુતાના માધ્યમથી લાખો લોકોના જીવનને સ્પર્શ કર્યો છે. નેતૃત્વ અને ઉદારતાનો તમારો વારસો પેઢીઓને પ્રેરિત કરતો રહેશે. કમલ હાસને શ્રદ્ધાંજલિ આપતાં તેમને પોતાના ખુદના હીરો ગણાવ્યા હતાં જેનું અનુકરણ કરવાનો તેણે પ્રયાસ કર્યો હતો. જુનિયર એનટીઆરએ તેમને ઉદ્યોગના દિગ્ગજ અને સોનાનું દિલ ધરાવતા વ્યક્તિ કહ્યા હતાં. મેગાસ્ટાર ચિરંજીવીએ પોતાની શ્રદ્ધાંજલિમાં ભારતીયો માટે દુઃખદ દિવસ ગણાવ્યો હતો. અજય દેવગણે એક્સ પર લખ્યું હતું કે દુનિયા એક દૂરદર્શીના નિધન પર શોક મનાવી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter