મુંબઈઃ બાંદ્રા સ્થિતની ફેમિલી કોર્ટે ૨૨મીએ રશ્મિ દેસાઇ અને નંદિશ સંધુના છૂટાછેડાને મંજૂરી આપી હતી. આ પૂર્વે બન્નેને સમાધાનની તક અપાઈ હતી, પરંતુ આ યુગલે છૂટા પડવાનો નિર્ણય લઇ લીધો. તેથી કોર્ટે તેમને આપસી સમજૂતીથી છૂટાછેડાની મંજૂરી આપી હતી. રશ્મિ અને નંદિશે કોર્ટમાં આ વરસની શરૂઆતમાં છૂટાછેડાની અરજી કરી હતી.
બન્નેની મુલાકાત ટચૂકડા પડદાના શો ‘ઉતરન’માં થઇ હતી અને ૨૦૧૧ની ફેબ્રુઆરીમાં લગ્ન કરી લીધા હતા. લગ્નના એક જ વરસમાં તેમની વચ્ચે અણબનાવની વાતો ચગવા લાગી હતી. અંતે આ યુગલ ૨૦૧૩માં છૂટું પડી ગયું હતું.
નંદિશે રશ્મિ સાથે પેચઅપ કરવા બે વરસ પ્રયાસ કર્યા હતા. તેમણે ૨૦૧૫માં ટચૂકડા પડદાના ડાન્સ રિયાલિટી શોમાં પણ ભાગ લીધો હતો, પરંતુ અચાનક જ બંને એકબીજાની વિરોધમાં મીડિયામાં નિવેદન કરવા લાગ્યા. રશ્મિ નંદિશ પર આક્ષેપ પર આક્ષેપ મૂકતી હતી અને નંદિશ તેને નકારતો હતો. અંતે ગયા વરસે બન્નેએ કાયદેસર રીતે છૂટા પડવાનો નિર્ણય લીધો હતો.