રશ્મિકા-વિજયની રિલેશનશિપ કન્ફર્મ

Sunday 01st December 2024 09:28 EST
 
 

વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના રિલેશનશિપમાં હોવાની ચર્ચા તો લાંબા સમયથી ચાલતી હતી, પણ વિજયે હવે આ વાતને કન્ફર્મ કરી છે. વિજયે એક ઇન્ટરવ્યૂમાં રિલેશનશિપ, લગ્ન અને પ્રેમ અંગે પોતાના વિચારો પ્રગટ કરતાં કન્ફર્મ કર્યું હતું કે તે હાલ રિલેશનશિપમાં છે. વિજયે કહ્યું, ‘મને ખબર છે કે પ્રેમમાં હોઇએ તો કેવું લાગે અને મને એ પણ ખબર છે કે પ્રેમ કરવો એટલે શું. જોકે મને એ નથી ખબર કે બિનશરતી પ્રેમ શું છે કારણ કે મારો પ્રેમ અપેક્ષાઓ સાથે આવે છે તેથી સ્પષ્ટ છે કે મારો પ્રેમ બિનશરતી નથી. મને લાગે છે કે આ બધું ઓવર રોમેન્ટિસાઇઝ્ડ છે. મને એ પણ ખબર નથી કે બિનશરતી પ્રેમની અપેક્ષા રાખવી કેટલી યોગ્ય.’

આગળ વિજયે જણાવ્યું, ‘કોઈની કરિયરની વચ્ચે લગ્ન ન આવવા જોઈએ. ખાસ તો મહિલાઓને લગ્ન ઘણા અઘરા પડતાં હોય છે. એ સિવાય તમે કયું કામ કરો છો, તેના પર પણ આધાર રાખે છે. હું ડેટ્સ પર જતો નથી. હું કોઈને બહુ લાંબા સમયથી ઓળખતો હોઉં તો જ કોઈ સાથે બહાર જવાનું વિચારું છું, કોઈ સાથે સારી મિત્રતા હોય તો જ...’ રિલેશનશિપ અંગે વિજયે કહ્યું, ‘હું 35 વર્ષનો છું, અને તમને લાગે છે કે હું સિંગલ હોઈશ?’

આ ઇન્ટરવ્યૂમાં વિજયે એ પણ ખુલાસો કર્યો હતો કે તેને અગાઉ એક કોસ્ટાર સાથે સંબંધો હતા. વિજય અને રશ્મિકા ફિલ્મોમાં પણ સાથે કામ કરી ચૂક્યા છે અને તાજેતરમાં રશ્મિકાએ દિવાળી દરમિયાન વિજયના ભાઈ દ્વારા ક્લિક કરેલી પોતાની દિવાળીની તસવીરો સોશિયલ મીડિયા પર તેને ટેગ કરીને શેર કરી હતી. તેથી આ બંને વચ્ચેના સંબંધો અંગે ચર્ચાઓની વધુ ખાતરી થઈ ગઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter