મુંબઈઃ દીપિકા પદુકોણ – રણવીર સિંહ લગ્નબંધને જોડાઈ ચૂક્યાં છે અને પ્રિયંકા ચોપરા - નિક જોનાસના લગ્નની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે બોલિવૂડની વિવાદોમાં ઘેરાયેલી રહેતી કલાકાર રાખી સાવંત પણ લગ્ન કરવા જઈ રહી છે. રાખી સાવંતે પોતાના વિવાહની અને આમંત્રણ પત્રિકાની જાહેરાત સોશિયલ મીડિયામાં પણ કરી દીધી છે. અભિનેત્રી ઇન્ટરનેટ સેન્સેશન અને હાલના તબક્કે એક રિઆલિટી શોમાં જોવા મળતા દીપક કલાલ સાથે પ્રભુતામાં પગલાં માંડશે. રાખોડી અને કાળા રંગના વેડિંગ કાર્ડમાં લખ્યું છે કે ‘બે પ્રેમીનાં હૃદય એક થઇ રહ્યાં છે અને હંમેશા પ્રેમમાં રહેવાનો વાયદો કરી રહ્યાં છે. બેઉ નવા વર્ષની પૂર્વસંધ્યાએ એટલે કે ૩૧મી ડિસેમ્બરે સાંજે ૫.૫૫ વાગે લોસ એંજલસમાં લગ્ન કરશે.’ રાખીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરેલા કાર્ડના કેપ્શનમાં હાસ્ય કરતી ઇમોજિસ અને વર-વધૂના ઇમોટિકોન્સ મૂક્યાં છે. તેણે આ ફોટા પોસ્ટ કર્યા ત્યાર પછી તરત જ રાખીના પ્રશંસકોએ તેના ઉપર શુભકામનાઓનો વરસાદ વરસાવી દીધો હતો. દીપકે પણ તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર કાર્ડ પોસ્ટ કર્યું હતું.