શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાએ પોર્નોગ્રાફી કેસમાં જેલવાસ ભોગવ્યા બાદ જામીન પર છુટકારો મેળવ્યો છે. પોતાની ઈમેજ સુધારવા રાજ કુન્દ્રાએ જેલના દિવસો આધારે ફિલ્મ બનાવી છે. ‘UT 69’ નામની આ ફિલ્મથી રાજ કુન્દ્રાએ એક્ટિંગની શરૂઆત કરી છે. રાજ કુન્દ્રાની બાયોપિક ‘UT 69’નું ટ્રેલર રિલીઝ થયું છે, જેમાં રાજ કુન્દ્રા જ ખુદનો રોલ કરી રહ્યા છે. એક્ટર તરીકે રાજની આ પહેલી ફિલ્મ છે, જેમાં તેના જેલવાસના બે મહિનાના અનુભવો રજૂ કરાયા છે. ત્રીજી નવેમ્બરે આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થવાની છે. ફિલ્મ અંગે રાજે જણાવ્યું હતું કે, તે 63 દિવસ જીવનનો સૌથી કપરો સમય હતો. પત્ની અને પરિવારે તેમાંથી ઉગરવામાં મદદ કરી હતી. જેલ હકીકતમાં એવી નથી હોતી જેવી અમેરિકન ફિલ્મોમાં દર્શાવાય છે. જેલ કરતાં વધારે ભયાનક જગ્યા બીજી કોઈ નથી. જેલમાં મારી સાથે શું થયું તે ફિલ્મમાં જોવા મળશે.’
પોર્નોગ્રાફી કેસમાં પોલીસે ધરપકડ કરી રાજ કુન્દ્રાને આર્થર રોડ જેલમાં મોકલ્યો હતો. આ પહેલા રાજનું નામ અનેક વિવાદમાં આવ્યું હતું. જોકે પોર્નોગ્રાફી કેસમાં તેની ધરપકડ પહેલી વાર થઈ હતી. આઈપીએલમાં સ્પોટ ફિક્સિંગ કેસમાં તેનું નામ આવ્યુ હતું. સુપ્રીમ કોર્ટે બાદમાં મેચ દરમિયાન રાજ કુન્દ્રાની હાજરી પર પ્રતિબંધ લગવ્યો હતો. મોડેલ એક્ટ્રેસ પૂનમ પાંડેએ રાજ અને તેની કંપની સામે બોમ્બે હાઈ કોર્ટમાં કેસ કર્યો હતો. પોતાના ફોટોગ્રાફ્સનો દુરુપયોગ કરવાનો આરોપ પૂનમે લગાવ્યો હતો. 2017માં વસ્ત્રોની એક કંપની સાથે રૂ. 24 લાખની છેતરપિંડી બદલ ફરિયાદ નોંધાઈ હતી. છેતરપિંડી કરનારી કંપનીમાં રાજ અને શિલ્પા ડાયરેક્ટર હતા. આ ઉપરાંત બીટકોઈનની સ્કીમને પ્રમોટ કરીને 8000 લોકો સાથે રૂ. 2000 કરોડની છેતરપિંડીમાં અનેક બોલિવૂડ સેલિબ્રિટીઝ સાથે રાજ કુન્દ્રાનું નામ પણ ઉછળ્યું હતું.