મુંબઈઃ શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાના સફળ લગ્નજીવનમાં કંઈક ગડબડ હોવાની તાજેતરમાં બોલિવૂડમાં ચર્ચા ઊઠ્યા બાદ રાજ કુન્દ્રાએ કહ્યું હતું કે, હું શિલ્પાને અને મારા પુત્ર વિવાનને સમય નથી આપી શકતો તેનું કારણ એ છે કે હું મારા કામમાં અત્યંત વ્યસ્ત રહું છું અને તાજેતરમાં તો પંદરેક દિવસે થોડા સમય માટે ઘરે ગયો હતો. એના લીધે લોકોને ગેરસમજ થઈ રહી છે કે મારી અને શિલ્પા વચ્ચે સંબંધો સ્વસ્થ નથી. જોકે આવી ચર્ચા થવાથી મને ખ્યાલ આવ્યો કે મારે મારા પરિવારને સમય આપવો જોઈએ તેથી જ અમે હમણાં લોંગ ડ્રાઈવ પર ગયા અને શોપિંગ પણ કર્યું. નોંધનીય છે કે ૧૫ દિવસ પહેલાં જ રાજ- શિલ્પાએ પુત્ર વિવાનનો જન્મદિવસ ધામધૂમથી મનાવ્યો હતો. જેમાં મોટાભાગના બોલિવૂડ માંધાતાઓ હાજર રહ્યા હતા.
રાજ પંદર દિવસે એક વખત ઘરે આવે છે
હાલમાં એવી ચર્ચા ઊઠી હતી કે શિલ્પા અને રાજ વચ્ચે સમુસૂથરું દેખાતું નથી. એક વેબસાઈટ અનુસાર રાજ કુંદ્રા હાલ પોતાના ઘરે નહીં પણ ઓફિસમાં રહે છે. રાજ છેલ્લા ૧૫ દિવસથી ઘરે ગયો જ નથી. તેનું ઘર અને ઓફિસ બંને મુંબઈમાં હોવા છતાં રાજે હાલ ઓફિસમાં જ રહેવાનું પસંદ કર્યું છે. હવે આ યુગલ વચ્ચે એવું તો શું થઈ ગયું છે કે રાજે ઓફિસને જ પોતાનું ઘર બનાવી લીધું છે. રાજ કુંદ્રાની ઓફિસ મુંબઈના નાના બાંદરા પરામાં આવેલી છે. જ્યારે ઘર જૂહુમાં છે. વેબ પોર્ટલની વાત માનીએ તો છેલ્લા ૧૫ દિવસમાં રાજ ફક્ત એક જ વખત ઘરે આવ્યો હતો અને તે પણ પોતાનાં કપડાં લેવા આવ્યો હતો. રાજ ઓફિસમાં જ પોતાની દિનચર્યા પતાવે છે તેમજ ખાવા-પીવાનું પણ ઓફિસમાં જ કરે છે. શિલ્પા અને રાજ સાથે જોડાયેલા એક સૂત્રે જણાવ્યું હતું કે રાજનું આટલા દિવસોમાં ઘરે ન જવું એ અસામાન્ય વાત છે. બંને વચ્ચે શું ચાલી રહ્યું છે તે કાંઈ સમજ નથી પડતી.