એનાઉન્સ થઈ ત્યારથી વિવાદોથી ઘેરાયેલી રહેલી મધુર ભંડારકરની ફિલ્મ ‘ઇન્દુ સરકાર’ રિલીઝ થઈ ચૂકી છે. રિલીઝ થયા પહેલાંથી જ ડાયલોગ્સ, અમુક સીન અને રાજકારણી બેકગ્રાઉન્ડના કારણે આ ફિલ્મ ઘણી ચર્ચામાં હતી. ઈન્દિરા ગાંધી સરકાર વખતના ૧૯૭૫થી ૧૯૭૭ના ગાળાને ફિલ્મમાં દર્શાવાયો છે. આ સમયગાળામાં દેશમાં લદાયેલી કટોકટી પરથી બનેલી આ ફિલ્મમાં ક્રિતી કુલહારી, તોતા રોય ચૌધરી, અનુપમ ખેર અને નીલ નીતિન મુકેશ મુખ્ય ભૂમિકામાં છે.
વાર્તા રે વાર્તા
આ ફિલ્મ સિત્તેરના ગાળામાં દર્શકોને લઈ જાય છે. ઈન્દુ રાજકારણમાં જોડાયેલી એવી સ્ત્રી છે કે તેની અંગત લાગણીઓ અને રાજકારણમાં કાર્ય વચ્ચે સતત સંઘર્ષમાંથી પસાર થતું રહેવું પડે છે. ઈન્દુનો પતિ સરકારી કર્મચારી છે અને તે કટોકટીના સમર્થનમાં છે તો કેટલાક લોકો કટોકટી લાદવાના વિરોધમાં છે. આ માત્ર ‘હા’ અને ‘ના’નો સંઘર્ષ નથી, પણ નૈતિકતાનો સંઘર્ષ હોય છે. આ પછી દેશમાં કટોકટી સમયના જુદા જુદા ૧૯ જેટલા બનાવોની સ્ટોરીઝ છે.
રાજકીય તટસ્થતા
આ ફિલ્મમાં ઈન્દુની પાર્ટી હિંમત ઈન્ડિયા સંગઠન (ઈન્દુ સહિત)ના સારા સભ્યોને અત્યંત આદર્શવાદી સિદ્ધાંતવાદી દર્શાવાયા છે તો બીજા કેટલાકને એકદમ વિલન જેવા દર્શાવાયા છે. જેથી એકદમ સારા અને અત્યંત ખરાબ લોકો સામેની જંગ ફિલ્મમાં દેખાય છે.
લવસ્ટોરી આકર્ષક
આ ફિલ્મમાં રાજકારણ સાથે સાથે ઈન્દુ અને નવીનની પ્રણયકથાને ખૂબ જ સુંદર રીતે દર્શાવવામાં આવી છે. ઈન્દુના પાત્રને ક્રિતી કુલ્હારીએ ખૂબ જ દમદાર રીતે નિભાવ્યું છે. તોતા રોય ચૌધરીનું પરફોર્મન્સ પણ સારું છે. આ ફિલ્મ સાથે ભંડારકરે તેની ચીલાચાલુ ફિલ્મ કરતા કંઈક અલગ કરવાનો પ્રયત્ન કર્યો છે.