‘ખય્યામ’ના નામથી ખ્યાતનામ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા સંગીતકાર મોહમ્મદ ઝાહીર હાશમી (ઉં ૯૨)નું તાજેતરમાં મુંબઇમાં નિધન થયું હતું. ફેંફસામાં અસહૃય પીડા ઉપડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યારબાદ તેમની તબિયતમાં સુધાર જોવા મળ્યો નહોતો. તેમના અંતિમ સંસ્કાર ૨૦મી ઓગસ્ટે મોડી સાંજે પૂર્ણ રાજકીય સન્માન સાથે મુંબઇમાં કરાયા હતા. ગીતકાર ગુલઝાર, વિશાલ ભારદ્વાજ, ગાયક સોનુ નિગમ જેવા સંગીતકાર-ગાયકો જૂહુ સ્થિત નિવાસસ્થાને અંતિમ દર્શન માટે પહોંચી ગયા હતા. તેમની અંતિમ યાત્રા ૨૦મીએ સાંજે ચાર વાગ્યે જૂહુના દક્ષિણા પાર્ક સોસાયટીમાંના તેમના નિવાસસ્થાનેથી શરૂ થઇને ચાર બંગલાના કબ્રસ્તાન પહોંચી હતી. ગન સેલ્યૂટ સહિત રાજકીય સન્માન સાથે તેમને અંતિમ વિદાય અપાઈ હતી. ત્યાબાદ તેમની દફનવિધિ શરૂ કરવામાં આવી હતી.
‘ફૂટપાથ’, ‘ફિર સુબહ હોગી’, ‘કભી કભી’, ‘ત્રિશૂલ’, ‘નૂરી’, ‘ઉમરાવ જાન’, ‘આહિસ્તા આહિસ્તા’ જેવી અનેક ફિલ્મોમાં તેમણે સંગીત આપ્યું હતું. તેમના પત્નીનું નામ જગજીત કૌર પણ ગાયિકા હતાં.
૧૭ વર્ષે સંગીત ક્ષેત્રે કારકિર્દી શરૂ કરી
રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ખય્યામે સંગીત દુનિયામાં પોતાનો પ્રવાસ ૧૭ વર્ષની વયે લુધિયાણાથી શરૂ કર્યો હતો. તેમની કારકિર્દીનો પહેલો મેજર બ્રેક બ્લોકબસ્ટર મૂવી ઉમરાવ જાનથી મળ્યો હતો. પોતાના ચાર દાયકાની લાંબી કારકિર્દીમાં ખય્યામે
અનેક ગીતો બનાવ્યા હતા. તેમને વર્ષ ૧૯૭૭માં ‘કભી કભી’ અને વર્ષ ૧૯૮૨માં ‘ઉમરાવ જાન’ માટે બેસ્ટ મ્યુઝિક ડાયરેકટરનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. વર્ષ ૨૦૧૦માં તેમને લાઇફટાઇમ અચિવમેન્ટ એવોર્ડ મળ્યો
હતો. આ ઉપરાંત વર્ષ ૨૦૦૭માં તેમને સંગીત નાટક એકેડમી, પુરસ્કારનું માન પણ મળ્યું હતું. વર્ષ ૨૦૧૧માં તેમને પદ્મભૂષણનું સન્માન મળ્યું હતું.