ફિલ્મમેકર એસ.એસ. રાજામૌલી દાદાસાહેબ ફાળકેના જીવન પર ફિલ્મ બનાવી રહ્યા છે. ફિલ્મમાં ભારતીય સિનેમાની શરૂઆતથી લઈને અત્યાર સુધીની સફર દર્શાવાશે. ફિલ્મનું શીર્ષક હશે ‘મેઇડ ઇન ઇન્ડિયા’. ફિલ્મના નિર્દેશક નીતિન કક્કર હશે. તાજેતરમાં જ રાજામૌલીએ સોશિયલ મીડિયા પર ફિલ્મની જાહેરાતનું ટીઝર પણ શેર કર્યું છે. રાજામૌલીના પુત્ર એસ.એસ. કાર્તિકેય અને વરુણ ગુપ્તા સંયુક્ત રીતે આ ફિલ્મનું નિર્માણ કરશે. આ ફિલ્મ મરાઠી, તેલુગુ, હિન્દી, મલયાલમ અને કન્નડ ભાષામાં રિલીઝ થશે. ટીઝરમાં લખ્યું છેઃ ‘ભારતીય સિનેમામાં ઘણા લોકો પર અનેક પ્રકારની બાયોપિક્સ બની છે. હવે ભારતીય સિનેમા પર બાયોપિક બની રહી છે. ‘મેઇડ ઇન ઇન્ડિયા’ લઈને આવી રહ્યા છે એસ.એસ. રાજામૌલી.’ સોશિયલ મીડિયા પર ફિલ્મનું ટીઝર શેર કરતા રાજામૌલીએ લખ્યું હતુંઃ પહેલીવાર ફિલ્મનું વર્ણન સાંભળીને હું ખૂબ જ ભાવુક થઈ ગયો હતો. કોઈની બાયોપિક બનાવવી સરળ નથી. પરંતુ, ભારતીય સિનેમાના પિતામહ દાદાસાહેબ ફાળકે પર બાયોપિકનો વિચાર કરવો પણ ખૂબ મુશ્કેલ હતું. અમે બધા આ ફિલ્મ માટે તૈયાર છીએ. ‘મેઇડ ઇન ઇન્ડિયા’! જ્યારે, કાર્તિકેયે લખ્યું હતુંઃ મારું સપનું આખરે સાકાર થવા જઈ રહ્યું છે. હું ‘મેઇડ ઇન ઇન્ડિયા’ ફિલ્મ પ્રોડ્યૂસ કરવાનો છું. હું આ પ્રોજેક્ટને સંપૂર્ણ જવાબદારી સાથે અને એક પડકાર તરીકે લઈ રહ્યો છું. મારી સાથે નિર્માતા વરુણ ગુપ્તા અને દિગ્દર્શક નીતિન કક્કરને પણ ખૂબ ખૂબ અભિનંદન!