હિન્દી ફિલ્મોના પ્રથમ સુપરસ્ટાર સ્વ. રાજેશ ખન્નાની મિલ્કત મુદ્દે થયેલા વિવાદમાં સુપ્રીમ કોર્ટે રાજેશ ખન્નાની પત્ની ડિમ્પલ કાપડિયા અને જમાઈ અક્ષયકુમારને નોટિસ આપી છે. ખન્નાની લિવઇન પાર્ટનર અનિતા અડવાણીએ અગાઉ કરેલી ઘરેલુ હિંસાની ફરિયાદમાં આ નોટિસ અપાઇ છે. અડવાણીની અરજી બોમ્બે હાઈકોર્ટે રદ્ કરી હતી, જેને અનિતાએ સુપ્રીમમાં પડકારી છે.
અનિતાના વકીલે કોર્ટમાં જણાવ્યું કે, તેમનાં અસિલ રાજેશ ખન્ના સાથે છેલ્લાં ૨૫ વર્ષથી રહેતાં હતાં, જેથી તેઓ તેમનાં જીવનસાથી છે. આ અગાઉ બોમ્બે હાઈ કોર્ટે જણાવ્યું હતું કે, જ્યારે અનિતા અડવાણીએ રાજેશ ખન્ના સાથે લગ્ન જ નથી કર્યાં તો પછી તે ઘરેલુ હિંસા અધિનિયમ અંતર્ગત કેસ દાખલ ન કરાવી શકે. આ સાથે જજે કહ્યું કે, તેઓ ખન્નાના પરિવારના કોઈ પણ સભ્યને આ મામલે દોષિત ઠેરવી શકે નહીં, કારણ કે, તેઓ ક્યારેય તેમની સાથે રહ્યા નથી.