હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હોય કે પછી સાઉથની ફિલ્મો હોય, બંનેના કલાકારો ખૂબ લોકપ્રિય છે અને તેઓ એકબીજાના કામને પણ વખાણે છે. પરિણામે આજે માત્ર પ્રાદેશિક સ્તરે ફિલ્મો રિલીઝ થવાને બદલે પેન ઇન્ડિયા ફિલ્મ રિલીઝ કરવાનું મહત્ત્વ વધી ગયું છે. આમ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી કે પછી સાઉથ ઇન્ડસ્ટ્રીની ભેદરેખા ઘણી આછી થઈ ગઈ છે. રાણા દુગ્ગુબાતી મોટાભાગે તેલુગુ ફિલ્મોમાં કામ કરે છે, પરંતુ તેનું કામ હિન્દી ફિલ્મોમાં પણ વખણાયું છે. જેમ કે ‘બેબી’, ‘દમ મારો દમ’ અને ‘યે જવાની હે દિવાની’. તાજેતરમાં એક કાર્યક્રમમાં બંને ઇન્ડસ્ટ્રીના કલાકારો એક સાથે એકઠા થયા હતા. જેમાં શાહરુખ ખાન, કરણ જોહર, સિદ્ધાંત ચતુર્વેદી સહીતના કલાકારો સાથે રાણા દુગ્ગુબાતી પણ હાજર રહ્યો હતો.
આ કાર્યક્રમમાં જ્યારે રાણાને સ્ટેજ પર બોલાવાયો તો શાહરુખે તેને ભેટીને કિસ કરી હતી. તેના પ્રતિસાદમાં રાણા શાહરુખ અને કરણ બંનેને પગે લાગતા કહ્યું હતું કે, ‘અમે સંપૂર્ણ દક્ષિણ ભારતીય છીએ. અમે આવું જ કરીએ છીએ.’ શાહરુખ અને કરણના દિલને આ વાત સ્પર્શી ગઈ હતી. આ ઇવેન્ટમાં શાહરુખનો નવો લૂક જોઈને તેના ફેન્સ પણ ખુશ થઈ ગયા હતા. છેલ્લા એક વર્ષથી ફેન્સ તેને લાંબા વાળ અને પોનીમાં જોતાં હતાં, ત્યારે ટૂંકા કપાવેલાં વાળ સાથે તેને જોઈને ફેન્સે સોશિયલ મીડિયા પર કમેન્ટ્સનો વરસાદ કરી દીધો હતો.
શાહરુખે આ ઇવેન્ટમાં તેના દીકરા આર્યન ખાનની ફેશનલાઈનના કેઝ્યુઅલ બ્લેક કપડાં પહેર્યાં હોવાનું તેના ફેન્સનું તારણ હતું. આ લૂક તેની આવનારી ફિલ્મ ‘કિંગ’ માટેનો હોવાની પણ ચર્ચાઓ થઈ હતી. જેમાં દરેકે સ્વીકાર્યું હતું કે તે આ લૂકમાં પહેલાં કરતાં વધુ હેન્ડસમ દેખાતો હતો. આ ઇવેન્ટની તસવીરો કરણ જોહરે પોતાના સોશિયલ મીડિયામાં શેર કરીને તેણે પણ શાહરુખને પોતાનો ભાઈ ગણાવીને તેના વખાણ કર્યા હતા.