મુંબઈઃ ‘પદ્માવત’ પછી હવે કંગના રનૌતની ફિલ્મ ‘મણિકર્ણિકા: ધ ક્વીન ઓફ ઝાંસી’ વિવાદમાં છે. રાજસ્થાનમાં સર્વ બ્રાહ્મણ મહાસભાએ ફિલ્મમાં રાણી લક્ષ્મીબાઈની છબી ખરડવામાં આવી હોવાનો આરોપ લગાવ્યો છે. મહાસભા કહે છે કે, ફિલ્મમાં લક્ષ્મીબાઈના બ્રિટિશર સાથેની લવ સિક્વન્સ છે. વાસ્તવમાં, સંગઠને પોતાના સૂત્રોના હવાલાથી કહ્યું હતું કે બ્રિટિશર્સ સાથે રાણી લક્ષ્મીબાઈનો પ્રેમ પ્રસંગ આ ફિલ્મમાં છે. સંજય લીલા ભણસાલીની ‘પદ્માવત’ ફિલ્મ પછી ફિલ્મના કન્ટેન્ટ અંગે આ નવો વિવાદ છે. આમ તો પરંપરાગત ઈતિહાસના પુસ્તકોમાં લક્ષ્મીબાઈ વિશે આ પ્રકારનો ઉલ્લેખ જોવા મળતો નથી. જોકે થોડા વર્ષો પહેલા એક અંગ્રેજી પુસ્તક આવ્યું હતું. જેમાં રાણી લક્ષ્મીબાઈને એક અંગ્રેજ સાથે પ્રેમ પ્રસંગ હોવાનું જણાવાયું હતું.
વાસ્તવમાં, આ પ્રકારનો ઉલ્લેખ એ સમયે સામે આવ્યો હતો કે જ્યારે રાણી લક્ષ્મીબાઈ અંગે ૧૦ વર્ષ અગાઉ યુકે સ્થિત લેખિકા જયશ્રી મિશ્રાએ ‘રાણી’ નામનું પુસ્તક લખ્યું હતું. જયશ્રીએ પોતાના પુસ્તકમાં રાણી અને ઝાંસીના તત્કાલીન રાજકીય એજન્ટ રોબર્ટ એલિસ વચ્ચેના અફેરનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જોકે એ સ્પષ્ટ કર્યું છે કે તેમનું પુસ્તક એક ઐતિહાસિક ફિક્શન અને પ્રેમકથા છે. જેનાથી ભારતીય લોકોની લાગણીને ઠેસ પહોંચી શકે છે.