બોલિવૂડના દિગ્દર્શક રામગોપાલ વર્માને ચેક બાઉન્સિંગ કેસમાં દોષિત ઠરાવીને મુંબઇની કોર્ટે ત્રણ મહિનાની જેલની સજા સંભળાવી છે. ઉપરાંત ફરિયાદીને રૂ. 3.72 લાખ ત્રણ મહિનામાં ચુકવવા આદેશ આપ્યો છે અન્યથા વધુ ત્રણ મહિનાની જેલની સજા ભોગવવાની રહેશે એમ અંધેરી કોર્ટે ચુકાદામાં જણાવ્યું છે. 2018માં એક ફિલ્મના આર્થિક વ્યવહાર સંબંધે ચેક બાઉન્સ થતાં આ કેસ નોંધાયો હતો. સાત વર્ષે કોર્ટે કેસની અંતિમ સુનાવણી કરીને વર્માને દોષિત જાહેર કરતો ચુકાદો આપ્યો છે. જોકે રામગોપાલ વર્માએ સુનાવણીમાં હાજરી આપી નહોતી.
2018માં શ્રી નામની કંપનીના પ્રમુખ મહેશચંદ્ર મિશ્રાએ ફરિયાદ કરતાં આ ગુનો નોંધાયો હતો. કોર્ટે ફરિયાદીને રૂ. 3.72 લાખનું વળતર આપવાના આદેશ સાથે નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ 138 હેઠળ આરોપીને દોષિત ઠરાવતાં જેલની સજા ફટકારી હતી. ઉલ્લેખનીય છે કે કોવિડ-19ના દિવસોમાં આર્થિક ભીંસમાં આવેલા વર્માએ પોતાની ઓફિસ પણ વેચી નાખવી પડી હતી. 2022માં વર્માને રૂ. પાંચ હજારના પર્સનલ બોન્ડ પર જામીન અપાયા હતા. જોકે સજાની સુનાવણીમાં મેજિસ્ટ્રેટ વાય. પી. પૂજારીએ સ્પષ્ટતા કરી હતી કે વર્માએ સુનાવણી દરમ્યાન કોઈ સમય જેલમાં વિતાવ્યો ન હોવાથી કોઈ સમય સજા સામે સરભર કરી શકાય તેમ નથી. વર્માએ નિવેદનમાં જણાવ્યું હતું કે અંધેરી કોર્ટમાં ચાલી રહેલા કેસ સંબંધે સ્પષ્ટતા કરવા માગું છું કે રૂ. 2.38 લાખની રકમનો સાત વર્ષ જૂનો કેસ છે, જે ભૂતપૂર્વ કર્મચારી સંબંધી છે. નજીવી રકમ નહીં ચૂકવવાનો પ્રશ્ન નથી પણ ખોટી રીતે ફસાવીને શોષણ નહીં થવા દેવાની વાત છે. હાલ હું આટલું જ કહી શકું છં કેમ કે પ્રકરણ કોર્ટમાં છે.