ફિલ્મ મેકર રામ ગોપાલ વર્માએ પોતાની નવી બૂક ‘ગન્સ એન્ડ થાઈઝ’ના વિમોચન વખતે મહાનાયક અમિતાભ બચ્ચનની એક્ટિંગ સામે સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે, મહાનાયક અમિતાભ બચ્ચનને ફિલ્મ ‘નિઃશબ્દ’ અને ‘આગ’માં કાસ્ટ કર્યા એ તેની ભૂલ હતી. રામુએ કહ્યું છે કે ફિલ્મ ‘ખુદ્દાર’માં અમિતાભ બચ્ચનનો અભિનય જોઈને હું તેમના પર આફરીન થઈ ગયો હતો અને તેમને મારી ફિલ્મોમાં સાઇન કરી લીધા હતા, પણ મને લાગે છે કે ‘નિઃશબ્દ’ અને ‘આગ’ જેવી ફિલ્મોમાં મેગાસ્ટારને કાસ્ટ કર્યા એ મારી ભૂલ હતી.
વર્માએ કહ્યું કે, કદાચ તેમને પણ ખરેખર એ વાતનો પસ્તાવો થતો હશે કે તેમણે મારા પર ભરોસો કરીને આ ફિલ્મો સાઈન કરી, પણ તેમને એ બાબતનો કદી પસ્તાવો નહીં થતો હોય કે તેમણે પોતાનું સર્વશ્રેષ્ઠ આ ફિલ્મોને નહોતું આપ્યું. રામુએ વાતની વધુ સ્પષ્ટતા કરતાં કહ્યું કે, ‘નિઃશબ્દ’ના શૂટિંગ દરમિયાન એકવાર અમિતજીના મેક-અપ મેને મને કહ્યું હતું કે આ ફિલ્મ નહીં ચાલે. કેમ કે કોઈ બિગ બીને આ સ્વરૂપે જોવા નથી માગતું. કદાચ મારી બંને ફિલ્મની નિષ્ફળતાનું આ કારણ પણ હોય.