ભારતીય મીડિયા અને ફિલ્મઉદ્યોગના દિગ્ગજ હસ્તી, બિઝનેસ ટાઇકૂન અને રામોજી ફિલ્મ સિટીના સંસ્થાપક ચેરુકુરી રામોજી રાવ (88)નું શનિવારે નિધન થયું છે. આંધ્ર પ્રદેશના પેડાપરુપુડીના સાધારણ ખેડૂત પરિવારમાં જન્મેલા રામોજી રાવે મીડિયા ઉપરાંત હોસ્પિટાલિટી, એનબીએફસી, ફૂડ અને રિટેલ સ્ટોર ચેઈન જેવા ક્ષેત્રોમાં પણ આગવી નામના મેળવી હતી. તેમણે જાતમહેનત અને સૂઝબૂઝથી રૂ. 37000 કરોડનું સામ્રાજ્ય ઊભું કર્યું. વર્ષ 2016માં તેમને દેશના બીજા ક્રમના સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી સન્માનિત કરાયા હતા.
રામોજી રાવને બાળપણથી જ ફિલ્મો પ્રત્યેનો અનોખો લગાવ હતો. તેઓ નાની ઉમરે પણ રોજ સાઇકલથી 5 કિમી દૂર આવેલા સિનેમા હોલ જતા હતા. મુશ્કેલીથી કમાયેલી રકમનો મોટો હિસ્સો તેઓ શરૂથી ફિલ્મ પર જ ખર્ચ કરતા હતા. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ દિલ્હીમાં એક એડ એજન્સીમાં કામ શરૂ કર્યું. પરંતુ, 1962માં હૈદરાબાદ પરત ફર્યા. ત્યારબાદ તેમણે જે પણ બિઝનેસમાં હાથ અજમાવ્યો તે ટ્રેન્ડસેટર સાબિત થયા. ભારતમાં જ્યારે લોકો ચિટફંડનું નામ સુદ્ધાં જાણતા નહોતા ત્યારે તેમણે ચિટફંડ કંપની શરૂ કરી. આજે કંપનીનું ટર્નઓવર 10,000 કરોડ રૂપિયાથી ઉપર છે અને 60 લાખ લોકો તેનાથી જોડાયેલા છે.
1974માં અખબાર ‘ઇનાડુ’ શરૂ કર્યું તો સમયના પાક્કા એવા રામોજીએ સૂર્યોદય પહેલા વાચકો સુધી અખબાર પહોંચે તે સુનિશ્ચિત કર્યું. ઉષા કિરણ મૂવીઝથી ફિલ્મોની દુનિયામાં પ્રવેશ કર્યો. અહીં પણ સ્ટારની પાછળ ભાગવાને બદલે તેમણે કહાની આધારિત ફિલ્મનો ટ્રેન્ડ શરૂ કર્યો. તેમની ફિલ્મ ‘મયૂરી’એ લોકોને જયપુર ફૂટથી પરીચિત કરાવ્યા. ફિલ્મ માટે અનેક જગ્યાએ ભટકવાથી પરેશાન થઈને તેમને ફિલ્મો માટે ‘વન સ્ટોપ શોપ’નો ખ્યાલ આવ્યો, અને તેમાંથી રામોજી ફિલ્મ સિટીએ આકાર લીધો હતો.
ફિલ્મ સિટીમાં રેલવે સ્ટેશનથી હાઇવે
સુધી બધુંઃ એક સાથે 15 ફિલ્મોનું શૂટિંગ થાય છે
રામોજી ફિલ્મ સિટીને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ દ્વારા વિશ્વના સૌથી મોટા ફિલ્મ સિટીનો ખિતાબ મળ્યો છે. ત્યાં છેલ્લા 28 વર્ષમાં ‘બાહુબલી’, ‘RRR’, ‘ચેન્નાઈ એક્સપ્રેસ’ સહિત 2500થી વધુ ફિલ્મો બની ચૂકી છે. અનેક હોલિવૂડ ફિલ્મો પણ અહીં બની છે. ફિલ્મ સિટીમાં 6 હોટલ, 47 સાઉન્ડ સ્ટેજ અને 1200 લોકોનો વિશાળ સ્ટાફ છે. ફિલ્મ સિટીમાં રેલવે સ્ટેશનથી લઇને હાઇવે પણ બનાવેલા છે. અહીં એક વારમાં 15 ફિલ્મોનું શૂટિંગ થતું રહે છે.
-