તેલંગણ પોલીસ દ્વારા અટકાયતમાં લેવાયેલા દક્ષિણ ભારતીય ફિલ્મ અભિનેતા અલ્લૂ અર્જુનને હાઇકોર્ટે જામીન આવ્યા છે. તેની બહુચર્ચિત ફિલ્મ ‘પુષ્પા-2’ના પ્રીમિયર દરમિયાન થયેલી ભાગદોડમાં એક મહિલાનાં મોત નીપજવાના કેસમાં પોલીસે 13 ડિસેમ્બરે તેની ધરપકડ કરી હતી. નીચલી અદાલતે અર્જુનને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો હતો, જે આદેશને અભિનેતાએ હાઇકોર્ટમાં પડકાર્યો હતો. હાઇકોર્ટે જામીન આપતાં કહ્યું હતું કે, અલ્લૂ અર્જુન એક અભિનેતા છે અને માત્ર તે કારણોસર તેની સાથે આમ ન કરી શકાય. તેલુગુ ફિલ્મોના મેગાસ્ટાર અલ્લૂ અર્જુન પર પોલીસે આરોપ મૂક્યો હતો કે તે ચાર ડિસેમ્બરના રોજ હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં પોતાની ફિલ્મના પ્રીમિયર પ્રસંગે કોઈ પણ પ્રકારની જાણ કર્યા વિના પહોંચતાં પ્રચંડ જનમેદની એકઠી થઈ ગઈ હતી.
જામીન છતાં અલ્લૂનો જેલમાં રાતવાસો
અલ્લૂ અર્જુનની 13 ડિસેમ્બરે ધરપકડ કરાયા બાદ તરત જ તેને જેલમાં મોકલી દેવાયો હતો. આ પછી અલ્લૂને હાઇકોર્ટ દ્વારા વચગાળાના જામીન અપાયા હોવા છતાં તેનો સાંજ સુધીમાં છુટકારો થઈ શક્યો નહોતો. આમ જેલમાં જ રાતવાસો નક્કી થઇ જતાં અલ્લૂને ‘કેદી નંબર 7697’ અપાયો હતો. તે જેલમાં આખી રાત ભૂખ્યો રહ્યો હતો અને ફર્શ પર સૂઈ ગયો હતો. અલ્લૂને જેલમાં મંજીર બેરેક ક્લાસ-વન કોટડીમાં રખાયો હતો. ઉપરાંત જેલ રેકોર્ડમાં તેના વિશેની વિગતવાર માહિતી પણ નોંધવામાં આવી હતી.
પીડિત પરિવાર કેસ પરત લેશે
અર્જુન સામે કેસ થયા બાદ ભાગદોડમાં મૃત્યુ પામેલી મહિલાના પતિએ કહ્યું હતું કે તેઓ કેસ પાછો ખેંચવા માટે તૈયાર છે. પીડિતે કહ્યું હતું કે તેમને જાણકારી નહોતી કે આવું કંઈક થશે. અમે એક્ટર સામેનો કેસ પાછો ખેંચવા તૈયાર છીએ. ઉલ્લેખનીય છે કે મહિલાના મોતના સમાચાર સાંભળ્યા બાદ અલ્લૂ અર્જુને શોક વ્યક્ત કરીને રૂ. 25 લાખની આર્થિક મદદ કરવાની જાહેરાત કરી હતી.