બોલિવૂડ એક્ટર અનિલ કપૂર 67 વર્ષની વયે પણ યુવાન લાગે છે. સૌ કોઈ તેની આ એવરગ્રીન જવાનીનું રહસ્ય જાણવા માંગતું હોય છે. તે એક ફેમિલી મેન છે. ફિલ્મોમાં તો તે શાનદાર કામ કરે જ છે સાથોસાથ અસલ જિંદગીમાં પણ તે લોકોનું દિલ જીતવામાં પાછળ રહે તેમ નથી. આ વખતે તેણે એવું કામ કર્યું છે જેને પગલે ચારેતરફ તેની વાહવાહ થવા લાગી છે. વાસ્તવમાં એક્ટરે એક પાન-મસાલાની જાહેરાત ઠુકરાવી દીધી છે. એક તરફ શાહરુખ ખાન, અક્ષય કુમાર કે અજય દેવગણ વારંવાર પાન-મસાલાની જાહેરાતમાં કામ કરવા બદલ ટીકાનો સામનો કરી રહ્યા છે ત્યારે મીડિયા અહેવાલો અનુસાર અનિલ કપૂરે પાન-મસાલાની જાહેરાત કરવાનો ઇનકાર કરી દીધો છે. અહેવાલો અનુસાર આ જાહેરાતમાં કામ કરવા માટે તેને 10 કરોડ રૂપિયાની ઓફર થઇ હતી. પરંતુ તેનો ઇનકાર યથાવત્ છે. ફાઈટર એક્ટર વાસ્તવમાં હેલ્ધી અને ફિટ રહેવા પર ભાર આપે છે. 67 વર્ષની વયે પણ તે કાર્ડિયો કરે છે. ઘરના જિમમાં રોજ પરસેવો પાડે છે. સમુદ્રકિનારે દોડવા પણ જાય છે. ત્રણ બાળકોનો પિતા અને હવે તો નાના પણ બની ચૂકેલો અનિલ કપૂર પાન-મસાલાની જાહેરાત કરવાનો ઈનકાર એટલા માટે કરે છે કે તે પોતાના ચાહકો વચ્ચે ખોટો મેસેજ જાય તે નથી ઈચ્છતો, તેને પોતાના ચાહકોના સ્વાસ્થ્યની પરવા છે.