રિશી કપૂર હાલ પોતાની બીમારીની સારવાર અમેરિકામાં લઇ રહ્યા છે. તે હવે માર્ચના અંતમાં ભારત પાછા ફરી રહ્યા છે. આ જાણકારી તેમનાં પત્ની નીતુએ સોશિયલ મીડિયા દ્વારા આપી છે. રિશી માર્ચ મહિનાના અંતમાં ભારત પાછા ફરશે. ભારત આવતાં જ પુત્ર રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની તારીખ નક્કી થશે. ભટ્ટ અને કપૂર પરિવાર રિશી ઘરે આવે કે તરત જ પંડિત સાથે વાતચીત કરીને લગ્નની તારીખ અંગેનો નિર્ણય લેશે.
પંડિત સાથેની મુલાકાત એપ્રિલ મહિનામાં કરવામાં આવશે. રિશી રણબીર-આલિયાના લગ્ન જલદી થાય તેવું ઇચ્છી રહ્યા છે. રણબીર-આલિયાના પરિવારને આ લગ્ન મંજૂર છે. આલિયા ભટ્ટ રિશીને મળવા અમેરિકા પણ ગઇ હતી. ભટ્ટ અને કપૂર પરિવાર વચ્ચે સારા સંબંધો હોવાનું કહેવાય છે.
એક વાત એવી પણ છે કે, રણબીર અને આલિયા ન્યૂ યોર્કમાં ઘર ખરીદવાનું વિચારી રહ્યા છે. આ ઘર ખરીદવાની જવાબદારી નીતુ કપૂરે લીધી છે. તે પોતાના પુત્ર અને ભાવિ પુત્રવધૂ માટે ઘર શોધી રહી છે. આલિયા અને રણબીર વારંવાર ન્યૂ યોર્ક અવરજવર કરતા હોય છે. બન્નેને આ શહેર બહુ પસંદ છે. આલિયા અને રણબીર લગ્ન બાદ ન્યૂ યોર્કમાં સેટલ થાય તેવી શક્યતા છે.