બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન ચાલુ નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન 350 કરોડ રૂપિયાની આવક ઉપર 120 કરોડ રૂપિયા ઈન્કમટેક્સ ચૂકવીને દેશના સૌથી વધુ ઈન્કમટેક્સ ચૂકવનારા અભિનેતા બન્યા છે. આ સાથે 82 વર્ષના અમિતાભે ગત નાણાકીય વર્ષ માટે સૌથી વધુ ઈન્કમ ટેક્સ ચૂકવનારા શાહરુખ ખાનને પાછળ છોડયો છે. તેમણે 15 માર્ચે એડવાન્સ ટેક્સના છેલ્લા હપતા પેટે 52.50 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. ગત નાણાકીય વર્ષ દરમિયાન શાહરુખે 92 કરોડ રૂપિયા ઇન્કમ ટેક્સ ચૂકવીને સૌથી વધુ ઈન્કમટેક્સ ચૂકવનારો અભિનેતા બન્યો હતો. આ વર્ષે અમિતાભે તેની સરખામણીમાં 30 ટકા વધારે ટેક્સ ચૂકવ્યો છે. ગત વર્ષે તેઓ સૌથી વધુ ટેક્સ ચૂકવનારા અભિનેતાઓમાં ચોથા સ્થાને હતા. તેમણે 71 કરોડ રૂપિયા ટેક્સ ચૂકવ્યો હતો. શાહરુખે ચાલુ વર્ષે 84.17કરોડ રૂપિયા એડવાન્સ ટેક્સ ચૂકવ્યો છે. ચાલુ નાણાવર્ષમાં વધુ ટેક્સ ચૂકવનારા અભિનેતાઓમાં સાઉથના સુપરસ્ટાર થલપતિ વિજય અને સલમાન ખાનનો પણ સમાવેશ થાય છે. વિજયે 80 કરોડ રૂપિયા જ્યારે સલમાને 75 કરોડ રૂપિયા ટેક્સ ચૂકવ્યો છે. ચાલુ નાણાંવર્ષમાં અમિતાભે ફિલ્મો, જાહેરાતોથી તેમજ ‘કૌન બનેગા કરોડપતિ’ના હોસ્ટ તરીકે સારી કમાણી કરી. ‘કલ્કી 2,898 એડી’ ફિલ્મ માટે તેમને 20 કરોડ રૂપિયા તથા રજનીકાંત સાથેની તમિલ ફિલ્મ ‘વેટ્ટીયન’ માટે 7 કરોડ રૂપિયા મળ્યાનું કહેવાય છે. 11 માર્ચે પૂરી થયેલી કેબીસીની ગત સિઝનમાં અમિતાભને પ્રત્યેક એપિસોડના પાંચ કરોડ રૂપિયા મળ્યાના અહેવાલ છે. તેમની અપકમિંગ ફિલ્મોમાં ‘સેક્શન 84’ અને ‘કલ્કી 2898 એડી’ની સિક્વલ સહિતની ફિલ્મોનો સમાવેશ થાય છે.