મુંબઈઃ સલમાન ખાનને જોધપુર કોર્ટે કાળિયારના શિકાર પ્રકરણે કરેલી પાંચ વર્ષની સજા સંભળાવી છે. અને હાલ તો તેને જામીન પણ મળી ગયા છે. પરંતુ જો સલમાનને આ સજા ભોગવવાની જ આવશે તો? બોલીવૂડને આ સવાલ પરેશાન કરી રહ્યો છે. જો સલમાન જેલમાં જાય તો તેને વ્યક્તિગત રીતે તેમજ બોલીવૂડને એક હજાર કરોડ રૂપિયાથી વધુ રકમનું નુકસાન થવાની શક્યતા છે. આમાંથી બોલિવૂડને રૂ. ૪૦૦થી ૬૦૦ કરોડનો ફટકો પડવાની શક્યતા છે.
એક ચેનલને આપેલી મુલાકાતમાં ટ્રેડ એક્સપર્ટ અતુલ મોહને આ માહિતી આપી હતી. હાલ સલમાન ‘રેસ-૩’, ‘ભારત’ અને ‘દબંગ-૩’ના શૂટિંગમાં વ્યસ્ત છે. રેસ-૩નું શૂટિંગ પતાવીને હાલમાં જ સલમાન અબુ ધાબીથી પાછો ફર્યો છે. રેસ-૩ પ્રોડક્શન વર્ક્સ પૂરું કરવા સલમાનને કોર્ટ સમય આપે એવું શક્ય છે. જોકે ‘ભારત’ અને ‘દબંગ-૩’નું શૂટિંગ હજી અધૂરું છે. જેને લઈને મોટું નુકસાન થઈ શકે છે, એમ તેમનું કહેવું છે.
સલમાનને સૌથી વધુ નુકસાન ટીવી શોને લીધે થશે. તેનો ‘દસ કા દમ’ શો ટીવી પર ટૂંક સમયમાં શરૂ થઇ રહ્યો છે. હાલમાં શોનાા પ્રોમો રજૂ થઈ રહ્યા છે. આ પછી સપ્ટેમ્બરમાં ‘બિગ બોસ’ શરૂ થશે. તેમાં તે હશે કે નહીં એ રહસ્ય છે. આ ઉપરાંત અનેક જાહેરાતોના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પણ તેને નુકસાન થશે. સલમાનની ‘રેસ-૩’ ફિલ્મ પર બોલીવૂડના રૂ. ૧૨૫થી ૧૫૦ કરોડ લાગ્યા છે.
સલમાનને અંદાજ હતો કે પાંચ એપ્રિલ સુધીમાં કોર્ટનો ચુકાદો આવી જશે આથી તેણે આ ત્રણ ફિલ્મ સિવાય કોઈ ફિલ્મ લીધી નહોતી, એમ ફિલ્મ સમીક્ષક કોમલ નાહટાનું કહેવું છે. ખાનની એક ફિલ્મનું બજેટ ઓછામાં ઓછું રૂ. ૨૦૦ કરોડ હોય છે. ‘ભારત’ અને ‘દબંગ-૩’ તથા ટીવી-શો મળીને બોલિવૂડના ઓછામાં ઓછા રૂ. ૪૦૦ કરોડ તેના પર લાગ્યા છે. આથી પાંચ વર્ષ જો જેલવાસ ભોગવવો પડે તો તેને અને બોલિવૂડને મોટું આર્થિક નુકસાન થાય તેમ છે.
સલમાન સામેના ૪ શિકાર સંબંધિત કેસ
• કાકાણી કાળિયાર શિકાર કેસ: જોધપુર નજીકનાં કાકાણી ગામ નજીક બે કાળિયાર હરણના શિકારનો આરોપ. ૫ એપ્રિલ ૨૦૧૮ના રોજ ટ્રાયલ કોર્ટે પાંચ વર્ષ કેદ અને રૂપિયા ૧૦,૦૦૦નો દંડ ફટકાર્યો.
• ઘોડા ફાર્મ હાઉસ કેસ: ઘોડા ફાર્મ હાઉસમાં એક કાળિયાર હરણનો શિકાર. ૧૦ એપ્રિલ ૨૦૦૬ના રોજ ચીફ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટ કોર્ટે સલમાનને પાંચ વર્ષની સજા ફટકારી હતી. સલમાને સજાને હાઇ કોર્ટમાં પડકારી હતી. ૨૫ જુલાઈ ૨૦૧૬ના રોજ નિર્દોષ છોડી દેવાયો હતો. રાજ્ય સરકારે હાઇ કોર્ટના ચુકાદા સામે સુપ્રીમમાં અપીલ કરી છે.
• ભવાદ ગામ કેસ: બે ચિંકારા હરણનો શિકાર. ચીફ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટ કોર્ટે ૧૭ ફેબ્રુઆરી ૨૦૦૬ના રોજ સલમાનને દોષિત ઠેરવી એક વર્ષની સજા ફટકારી હતી. રાજસ્થાન હાઇ કોર્ટે સલમાનને મુક્ત કરી દેતાં રાજ્ય સરકારે સુપ્રીમ કેસમાં અપીલ કરી છે.
• આર્મ્સ કેસ: ચિંકારા અને કાળિયારના શિકાર માટે લાઇસન્સ એક્સ્પાયર થઈ ચૂક્યાં હોય તેવાં શસ્ત્રોના ઉપયોગ અને
પઝેશન માટે સલમાન સામે આર્મ્સ એક્ટ અંતર્ગત કેસ નોંધાયો
હતો. જાન્યુઆરી ૨૦૧૭માં જોધપુરની કોર્ટે સલમાનને આ કેસમાં નિર્દોષ છોડી મૂક્યો હતો. રાજસ્થાન સરકારે તેની સામે હાઇ કોર્ટમાં અપીલ કરી છે.