મુંબઈઃ આમિર ખાનની ફિલ્મ ‘દંગલ’ વિશ્વ કક્ષાએ અનોખો વિક્રમ રચનારી ફિલ્મ બની છે. મહાવીર ફોગટ નામના કુસ્તીબાજની કથા કહેતી આ ફિલ્મે વૈશ્વિક કક્ષાએ અત્યાર સુધીમાં રૂપિયા ૧૯૩૦ કરોડની કમાણી કરી લીધી છે અને હજુ પણ તેમાં રોજેરોજ ઉમેરો થઈ રહ્યો છે. આ સાથે જ વિશ્વ કક્ષાએ આટલા નાણાં કમાનારી ફિલ્મોમાં તે પાંચમા સ્થાને આવી ગઈ છે. ફોર્બ્સ મેગેઝીન પ્રમાણે, આ બાયોપિકની ગ્લોબલ કમાણી ૩૦.૧ કરોડ ડોલર થઈ ગઈ છે. જેમાંથી ચીનમાંથી ૧૭.૯૮ કરોડ ડોલર કમાણી જ્યારે ભારતની કમાણી ૮.૪૪ કરોડ ડોલર જેટલી થાય છે. અત્યાર સુધીમાં આવી ચાર નોનઈંગ્લીશ ફિલ્મોએ વિશ્વ કક્ષાએ ૩૩ કરોડ ડોલરથી વધુની કમાણી કરી છે જેમાં ચીનની મરમેઈડ (૫૩.૩ કરોડ ડોલર) અને મોનસ્ટર હંટ (૩૮.૬ કરોડ ડોલર), ફ્રાન્સની ધ ઈનટચેબલ્સ (૪૨.૭ કરોડ ડોલર) અને જાપાનની યોર નેમ (૩૫.૪ કરોડ ડોલર) છે. આમિર ખાનની ‘દંગલ’ આ પાંચની કલબમાં જોડાઈ ગઈ છે.